પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
નંદનભુવન !

પણ ગંગાને તેનો સઘળા પ્રકારે તિરસ્કાર હતો. ઘણા ઘરોમાં આવી રીતની અવ્યવસ્થાથી પુરુષો કંટાળે છે, પણ તેનો સુધારો થતો નથી. જો કે તેવો સુધારો કરવાને સઘળા ઇચ્છે છે ખરા ! પરંતુ વ્યવસ્થાનો ખ્યાલ પણ સંસારમાં નથી ને તેથી ત્યાં હમેશાં અવ્યવસ્થા જ રહે છે. ગંગાને તો પોતાને જે કેળવણી બચપણથી મળી હતી તે હિંદુ સંસારથી ઉલટી હતી. નાનપણથી ચોખવટ, સ્વચ્છતા, વ્યવસ્થા એ તેને ઘણી પ્રિય હતી.

આનંદમાં દોઢ વરસ વહી ગયું, તે જણાયું નહિ, ગંગાની પ્રિય દીકરી હમણાં બે વરસની થઈ હતી, ને તેણે કાલું કાલું બોલીને ઘરના ચાકરનફર સર્વનો પ્રેમ ખેંચી લીધો હતો. કિશોર ને ગંગા તો તેને જરાપણ વીલી મૂકતાં નહિ, ને તેની બરદાસ્તમાં એક દાસીને મૂકી હતી. ઘરમાં તારી (તે બાળકીનું એ નામ પડ્યું હતું) દોડા દોડ કરી મૂકતી ને પોતે ગમ્મત મેળવી ઘરનાં સઘળાંને ગમ્મત આપતી હતી. ગંગા સવાર સાંઝ તેને દરિયે ફરવા મોકલતી હતી, ને ઘેર આવ્યા પછી એટલી બધી તો તે ચંચળતા બતાવતી હતી કે બંને દંપતી તેનો કેડો મૂકતાં નહોતાં. રમકડાં સાથે તે રમત કરતી ને પછી જ્યારે તે ગંગા પાસે આવતી ને વિનોદી કાલું કાલું બોલીને તેનું મનોરંજન કરતી ત્યારે ચુંબનથી તારીને ગભરાવી મૂકતી હતી, ને તેવામાં તે રડતી તો તેના સૌન્દર્યનાં વખાણ કરી કંઈક ખાવાનું આપીને રંજન કરતી હતી. આ નાની બાળકી જાણે પોતાની માતાની તાદૃશ્ય છબી હોયની તેવી રુપ ગુણથી ભરેલી હતી, તેનાથી ઘરમાં આનંદનો સાગર જ ઉભરાઈ જતો હતો. કિશેાર બહારથી આવતો કે એકદમ દોડીને બાપુજીની ખબર પૂછતી, તેના હાથપર જતી ને પછી મીઠું મીઠું બોલીને હર્ષ ઉપજાવતી હતી.

રાત્રિના ત્રણે જણાં સાથે જમતાં ત્યારે જે આનંદ આ ઘરમાં વ્યાપી રહેતો તે કોઇની પણ ઈર્ષા ખેંચવાને બસ હતો. સામસામા પાટલો માંડીને જમતાં ને જેમ બીજા હિંદુના ઘરમાં સ્ત્રીનું પદ ઉતરતું ગણાય છે, તેમાંનું અત્રે કંઇ પણ જણાતું હતું નહિ. જમી રહ્યા પછી