પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
ગંગા-ગુર્જર વાર્તા

પોતાના હાથની બનાવેલી પાનબીડી ગંગા કિશોરને આપી પછી દીવાનખાનામાં બેસતી. ત્યાં કોમળ સ્વરે એકાદ ઘણું સુંદર ઈશ્વરભજન કે પ્રીતિનું પદ ગંગા ગાતી ને તેથી ઘરમાં આનંદની લહેર ઉઠી રહેતી હતી. બરાબર દશ વાગે શયનગૃહમાં શય્યાપર જતાં ને ત્યાં પૂર્ણપ્રેમથી વિલાસ ભોગવતાં હતાં. પરોઢિયામાં સૌથી પહેલી ગંગા ઉઠતી ને પોતાનું કામ તે બરાબર બજાવતી હતી; જે કામ ચાકરો માટેનાં હતાં તે કામો તેમને સોંપી દેતી ને ચાકરો પણ ઘણી હોંસે શેઠાણીની આજ્ઞાને આધીન રહેતા હતા, કોઇ પણ ચાકર કદી બેદરકાર કે અસંતોષી થતો નહિ. કોઇ એક બીજા વચ્ચે વૈરભાવનું નામ નહોતું, ઘરનાં સર્વે માણસો શેઠ શેઠાણીપર પ્રીતિમય થઇ રહેતાં. શેઠાણીને મન બધાં સરખાં હતાં. પહેલે ઘણા લાંબા કાળ સુધી ગંગાને અભ્યાસ કરવાનો વખત મળ્યો નહોતો, પણ હમણાં સર્વ પ્રકારનો અવકાશ હોવાથી પછી તે વિદ્યાભ્યાસપર મંડી ને અંગ્રેજીનો સારો અભ્યાસ કીધો. વિદ્યાભ્યાસમાં કોઇ પણ પ્રકારની કશી પણ કચાસ રાખી નહિ, કવચિત્ બીજી સુજ્ઞ સ્ત્રીઓની મંડળીમાં તે સામેલ થતી ને તેઓ એની લાવણ્યમય સુંદરતા ને વિવેકપર વારી જતી હતી, પાડોસની દક્ષિણી સ્ત્રીઓ સાથે તેનો પરિચય થવાથી તેમનામાંની કેટલીકોને પોતાના જ્ઞાનનો લાભ આપી ઘણીક રીતે તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો; ને તે જોઇને કિશેાર બહુ રાજી થયો.

ઘરની જરા જેટલી પણ ચિંતા કિશેારને નહોતી ને તેના ઘરની આવી યોગ્ય વ્યવસ્થા જોઇને તેના સર્વ મિત્રો જ્યારે પ્રશંસા કરતા હતા, ત્યારે તે પોતાને સર્વ પ્રકારે સુખી માનતો હતો. તેની આવક કેટલેક દરજ્જે વધતી ગઇ, ને તેથી પોતાના પિતાનું સઘળું દેવું વાળી દીધું. અભ્યાસ પછાડી ગંગાનાં ઘરેણાં ગીરો મૂક્યાં કે વેચી નાખ્યાં હતાં તે પાછાં વસાવ્યાં, ને પોતાની પેદાશમાંથી પોતાની માતાને નિયમિત સારી રકમ મેાકલ્યે જતો હતો.

સર્વ પ્રકારે ત્યાં આનંદ વ્યાપી રહ્યો હતો. દુઃખનું નામ નહોતું.