પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
ગંગા-ગુર્જર વાર્તા

લાગ્યાં. કોઇ કંઇ તો કોઇ કંઇ ધારણા બાંધી બેઠાં. કિશેારે ઠરાવ્યું કે કાલની ટ્રેનમાં ભરૂચ જવું. એટલામાં પોતાના કેસ હતા તે બીજા વકીલને આપી દેવાની તે ગોઠવણ કરવા લાગ્યો. રતનલાલ જમ્યો નહોતો તેથી, ગંગાએ તેને કહ્યું, “દિયરજી, આવો રસોડામાં, હું હમણાં લાપસી તૈયાર કરું છું તે તમે જમી લો, પછી વાતો કરજો.”

“ભાભી, તમે શું કામ શ્રમ લો છો? મને કશી જરૂર નથી નહિ તો રસોઇયાને કહોની.” પણ ગંગાએ ભટને આટલી મોડી રાત્રિના ઉઠાડવાનું ઠીક નહિ ધારી પોતે જ બોલી: “હું કરીશ તો શું થશે ? મારા હાથ કંઇ એવા કુમળા નથી કે કરમાઇ જવાના છે. ભટ તે ભટ, ઉંઘાકળો ભટ અત્યારે સારી કરશે નહિ.” આટલું બોલતી તે રસોડામાં જઇને ઝટપટ કામે વળગી ગઇ. રતનલાલ પણ ઉંબરા પર જઇને બેઠો, ને ઘણીક નવીજૂની વાત પર બન્ને વળગ્યાં. તેટલામાં લાપસી ને દૂધ તૈયાર થયું ને રતનલાલે જમી લીધું. તેના માટે પાસેના ઓરડામાં બિછાનું કીધું.

મળસકું થતાં કિશેાર, ગંગા ને રતનલાલ જાગ્યાં ને જોઇતો સામાન બાંધીને રતનલાલને જોડે લઇને કિશોર ભરૂચ ગયો. ત્યાં જતાં તપાસ કીધી તો ઘણી વિડંબનાઓ જણાઇ. કોઇને ત્યાં ઉતરવાનું બરાબર ઠેકાણું નહિ ને મોસાળમાં કોઇ હતું નહિ. પછી એક થોડા જાણીતા સ્નેહીને ત્યાં ઉતારો કરવા ધારી બન્ને જણ ત્યાં ગયા. મુકામ કરીને જેલરને મળીને વેણીલાલને મળ્યા. તે રડવા લાગ્યો, પણ ઘણી ધીરજ આપીને પછી માજીસ્ટ્રેટને જામીન પર છોડવાને માટે અરજ કીધી. કેસમાં કંઇ દમ નહોતો. કોઇક ગુહસ્થના ઘરમાં જુગાર રમાતો હતો, ને તેવામાં મારામારી થઇ, તેટલામાં વેણીલાલ રસ્તે જતાં તેમાંનો એક છે એમ ધારીને પોલીસવાળાએ પકડ્યો, આ હકીકત ધ્યાનમાં લીધી ને માજીસ્ટ્રેટે તેને જામીન પર છૂટો કીધો. કેસ ચલાવવા માટે બે ત્રણ સારા વકીલની ગોઠવણ કીધી.