પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
ગંગા-ગુર્જર વાર્તા

ગંગાને તેથી ઘણું લાગ્યું, પણ તેની હવે બોલવાની હિમ્મત ચાલી નહિ માત્ર દિલાસા માટે જ બોલી, “આમ હવે ગાંડાં ન કાઢો !!”

“બેશક ભાભી, હું ગાંડાં તો કાઢું છું, પણ તે નકામાં છે. હવે મને નક્કી લાગે છે કે મારા દહાડા ભરાઇ ચૂક્યા છે. તમને નથી લાગતું કે મારી અવસ્થા ઘણી દયામણી છે ?” રડતાં રડતાં કમળી બોલી.

“ખરેખર, લાગે છે, પણ ઉપાય શો ?”

“ન્યાતવાળા જ મારા શત્રુ થયા છે ત્યાં હવે ઉપાય નથી જ.”

“તમે સમજો છો ત્યારે હવે ભાંગી રકાબીનો શોક શા માટે કરો છો ? જો મારાથી બનત તો હું કંઈ પણ કરવાને ચૂકત નહિ.”

“એ ખરું, પણ હવે મારું નસીબ નક્કી થઇ ચૂક્યું છે !”

“શું નસીબ નક્કી થઇ ચૂક્યું છે ?”

“કે હવે મોતને શરણે જવું, ને જે અહિયાં પ્રાપ્ત નથી તે જઇ પ્રભુ પાસથી જાચવું.”

“નહિ, નહિ! તમે આમ નહિ બેાલો. મોટી બેહેન ! એ શું તમારા ભણ્યાગણ્યાનું સાર્થક્ય કે માત્ર ઝુરાઈને મરવું ?”

“પણ હવે અહિયાં શું સુખ છે કે વધારે જીવી તમારા જેવી મમતાળું ભાભી ને ભાઇને પીડા આપવી ? મારા માટે તમોને થોડું વેઠવું પડ્યું છે ?” આટલું બોલતાં તો તે બેહોશ થઇ ગઇ ને ગંગાએ તેની આસનાવાસના નહિ કીધી હોત તો ખરે તે ક્યારે શુદ્ધિમાં આવત તે કંઇ પણ કહી શકાય તેમ નહોતું, જે દુઃખની પીડા તેના પર પડી હતી તેથી તેનું અંતર તો ક્યારનું જ બળી ગયું હતું, માત્ર હવે આ ખાલી ખોખું રહ્યું હતું.

કમળી શુદ્ધિમાં આવ્યા પછી ઉઠીને બન્ને જણાં કામકાજે વળગ્યાં.