પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
ગંગા-ગુર્જર વાર્તા

નહિ આપ્યો તેને માટે, ને કોઈવાર ચૂલો લઈ લીધો તે માટે લડતા. ગંગા પાસે સધળાં છોકરાં લડતાં આવતાં ત્યારે તેમને ખાવા વગેરે, આપી પતાવીને કાઢતી હતી. પાછાં સઘળું એક ક્ષણમાં વિસરી જઇ રમવા બેસતાં ને બીજી ક્ષણમાં લડાલડી ને ઝડાઝડી કરતાં હતાં.

આજે સવારના રવિવાર હોવાથી શેઠાણીને ઉઠાડીને ગંગાએ નહવડાવ્યાં. સઘળી વહુઓ તો માત્ર ઠીઠી ઠાઠા જ કરવાને બેસતી, પણ સાસુનું શરીર આરોગ્ય રહે તેટલા માટે કાળજી તો માત્ર ગંગા જ રાખતી. હજી સાસુજી મરવાને સૂતાં હતાં તેટલું છતાં જરા પણ નરમ પ્રકૃતિનાં થયાં નહોતાં. સ્નાન કીધા પછી પાછાં પોતાના સૂવાના ઓરડામાં આવી સૂતાં, ને ગંગા ઘરકામમાં રોકાઈ તેટલામાં પાણી પીવાને માટે “ગંગા, ઓ ગંગા” એમ ત્રણ ચાર વાર સાસુજીએ બૂમ મારી, તે દૂરના ઓરડામાં હોવાથી ગંગાએ સાંભળી નહિ, એટલે ગંગા પર સાસુજી કોપ્યાં.

“હું રાંડ મરવા પડી છું તેની પીડા પારકી જણીને શું પડી છે ?મરું કે જીવું તેની કોને દરકાર છે ? ક્યારની બૂમ મારું છું પણ કોઇ જવાબ દે છે ? હમણાં એના કુમળા માટીને કંઈ થયું હોત તો આવી બરદાસ્ત રાખતે કે ?” આમ સાસુજી બડબડાટ કરતાં હતાં તેટલામાં ગંગા આવી પહોંચી. “શું છે સાસુજી !” એમ પૂછતાં જ જોઈને સાસુજીનો કોપ ?

“સાસુજીની મોકાણ છે, બીજું શું હોય ?” સાસુએ જવાબ વાળ્યો.

“તમોને જે જોઈતું હોય તે લાવી આપું, તમે જરા પણ સંતાપ કરતાં નહિ.” ગંગાએ ઉત્તર વાળ્યો.

“બાવા, હું તો હવે આ ઘરથી ધરાઈ ગઈ છું, મારે તારા ધરમાં રહેવું નથી, આ આજથી આ ઘરમાં રહે તેને માથે આખા મુંબઈ શહેરનું પા૫. મારી ગંગા મા, મારા ગંગા બાપ, મને તું આજ ને આજ સુરત મોકલી દે તો તને પગે લાગું, હું જ રાંડ હૈયાફુટી કે તારા ટુકડા ખાવા