પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
સાસુ સેવા

આવી ! મારા માટીનું ઘર મેં ફોકટમાં જ છોડ્યું. મેં જાણ્યું કે સુરત કરતાં મુંબઈમાં વધુ સુખ મળશે, પણ “ઘરનાં ઉઠ્યાં વનમાં ગયાં તો વન માં લાગી લાહે” તેમ જ્યાં જઈએ ત્યાં નસીબ તો તેનું તે જ કેની ! જો મારી રાંડ રામજણી સુરતમાં સંતાપે ને અહીંયાં તારો સંતાપ !”

“સાસુજી માફ કરજો! મારાથી કંઈ તમને ગુસ્સે થવાનું કારણ થયું હોય તો મને કહોની, તમારે જોઈએ શું ?”

“તારી ને મારી મોંકાણ જોઈએ છે. મને આજે ને આજે તું સુરત મોકલ. ક્યારની પાણી પાણી કરીને બૂમ મારું છું, આ ગળું તો સૂકાઈ જાય છે, પણ સાંભળે છે કોણ ! સૌ પોતપોતાનું સંભાળે છે. પારકી જણી ને મારી શી પીડા છે? પોતાની મા માંદી હોય તો જરા પણ ખસે કે ?”

“સાસુજી, તમે એમ ન બોલો. હું શું તમારી સેવા કરવામાં કંઈ પણ કચાસ રાખું છું ? હું તમારા મોં આગળ રહું છું, ને હવે તમે મને દોષ દો છો એ ઠીક નહિ. તમારા દીકરા આવે એટલે પછી સુરત જતા રેજો, પણ મારે માથે શું કામ દોષ મૂકો છો ? ઘરમાં શું થાય છે તેની પરી સંભાળ પણ મારે માથે છે, તે તમે જાણો છો ? જરાક હમણાં જ તમારી પાસેથી ખસી તેમાં આટલી બધી વાત બને, એ ઠીક નહિ !” ગંગાએ આંખમાં આંસુ લાવતાં કહ્યું.

“બેસ બેસ, બહુ ડાહી છે તે જાણું છું, તું પણ પેલી તુળજાની જ ભણાવેલી કેની ?”

“તમે કહેવા યોગ્ય છો ને હું સાંભળું છું. બાકી જે રીતે મારી માની ચાકરી કરું તે જ રીતે તમારી કરું છું - હશે, લ્યો આ પાણી.” અામ કહીને તરત ઠંડુ બરફ નાંખેલું પાણી આપ્યું. તે પાણી પીતાં લલિતાબાઈના દાંત કળી પડ્યા કે પાછો બડબડાટ ચાલ્યો, પણ ગંગાએ તે પર કશું લક્ષ આપ્યું નહિ.

કેટલી વહુ આવી સાસુનાં મહેણાં ટોણાં સાંભળવા છતાં ખરા પ્રેમથી તેની ચાકરી કરશે ? કોઈક જ.

* * * *