પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
ગંગા–ગુર્જર વાર્તા


સંધ્યાકાળે ગંગાના ઘરના પાછલા ભાગમાં એક આશરે પંદર વરસનો છોકરો ફરતો હતો. આ છોકરો ઘણી વેળાએ મોતીલાલ તરફથી કાગળ પત્રો આપવાને આવતો હતો. એકવાર તેણે ઘરમાં આવીને કમળીને એક પત્ર આપ્યો હતો, પણ તેને જવાબ દેવાને કમળી તૈયાર નહોતી. તે સદાની જ હવે કુંજરી થઈ હતી, તેના ગાલ પરની લાલી જતી રહી હતી. તેનું હસવું નાસી ગયું હતું, તેનું ભીતર બળીને ખાક થયું હતું અને તે બાપડીનું હરવું ફરવું હવે તદન ભાંગ્યા પગનું હતું. તેથી તે કોઈને પણ જવાબ આપવાને ના પાડતી હતી.

લલિતાબાઈ અને ગંગા વચ્ચે વાતચીત થયા પછી કમળી બાગમાં એક ભાગમાં બેઠી હતી. તેની સાથે કોઈ નહોતું. તે એકલી જ નીચી મુંડી ઘાલીને બેઠી હતી. તેના મનમાં ઘણાક તર્કવિતર્ક થયા કરતા હતા. જોનારને તરત જણાતું હતું કે તેના ગાલપર ઉષ્ણપાણીનાં બિંદુઓ હમણાં જ ઠરી ગયાં છે.

બાગમાં ફરતો એ છોકરો, જેવી કમળીને જોઈ તેવો તેની પાસે આવ્યેા. નજીક આવ્યા પછી પોતાનું મોં હસતું રાખીને પોતાની તરફ કમળાનું ધ્યાન ખેંચવાનો તેણે પૂરતો પ્રયત્ન કીધો, પણ તે વ્યર્થ.

અંતે ઘડી બે ઘડી જેટલો વખત ઉભો રહીને તે બોલ્યો, કેમ કે તેનું જે કામ હતું તે છુંપું હતું.

“કમળા બેહેન !” તે છોકરો બોલ્યો.

“શું છે ? હવે મને સંતાપવાનું કશું કારણ નથી.” ઉંચે જોયા વગર કમળાએ જવાબ દીધો.

“આ તમારે માટે પત્રિકા છે.” એમ કહીને તે છોકરે હાથમાં તે ચિઠ્ઠી આપી. “ઘણી જરુરની ચિઠ્ઠી છે, એનો જવાબ તાકીદે જોઈએ ચાર લીટી પણ નથી. તરત વાંચી જવાબ મોકલાવજો,” હાથમાં કાગળ લઈ કમળીએ તે વાંચ્યો.