પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
લલિતાનું મૃત્યુ

તો ફોકટનાં ફાંફાં શા માટે ભાઈ, મારવાં જોઈયે ? હવે તો શ્રીજીબાવાનું ભજન કરી લેવાનું રહ્યું છે. હવે કંઈ પણ વિચાર વગર મને મારે સૂરત લઈ જાઓ.” તુરત ડોસીને પુષ્કળ હાંફ ચઢી આવી ને બોલતી અટકી પડી; પણ પળ પછી પાછું બેાલવું શરુ કીધું, “ભાઈ, મારા સૌભાગ્યનો પાર નથી, ને મને મરવાનું જરા પણ દુ:ખ નથી. ત્રણ ત્રણ દીકરાની ખાંધે ચઢીને જવું, દીકરાના દીકરા જોવા, સકુળની વહુઓ મારી ચાકરી કરે એ કંઈ જેવું તેવું નસીબ છે કે ? દીકરી ગંગા ! મારી પાસે આવ. મને માફ કર, મારાથી જે જે કંઈ બોલાયું ચલાયું હોય તે માફ કરજે. તારા જેવી સકુળની સદ્દગુણી વહુ મને મળી છે, મારું ધન્યભાગ્ય છે. ભાઈઓ, જેવી મારી ચાકરી એણે કીધી છે તેવી કોઈએ કીધી નથી. મેં ગમે તેટલા તરફોડા કીધા હશે, ગમે તેટલી ગાળો ભાંડી હશે, ગમે તેટલો ગુસ્સો કીધો હશે પણ એ એક શબ્દ સરખો પણ બોલી નથી. રડ નહિ, ગંગા, હું તને મારી કમળી જેવી જોઉં છું, તેની બરદાસ્ત, તેની તપાસ તારે રાખવાની છે. એને જરા પણ વીલી મૂકતી નહિ, હમણાં હમણાં એની હાલત બગડી ગઈ છે, પણ તારી બેહેન માફક ગણીને તેની બરદાસ્ત કરજે.”

લલિતાએ આટલું બોલીને આંખ મીંચી દીધી ને સૌને તેના શબ્દો કાળજામાં લાગ્યા. તરત જ સૌએ સુરત જવાની તૈયારી કીધી. સુરત ગયા પછી પડશાળમાં જ ડોસીનો ખાટલો ઢાળ્યો. ત્યાં આવતાં તો વધારે શરીર બગડ્યું ને ઘરેડો ચાલ્યો. કેશવલાલે આવીને કિશોરને કહ્યું, “હવે માજી ઘડી પળનાં છે, બહુ ભાગ્યશાળી કે, સઘળાં આવી પહોંચ્યાં છે, પુણ્યદાન કરાવવું હોય તે કરાવી લો.” સૌની મરજી સાચવવાને કિશોરે તે માન્ય કીધું. આસપાસનાં સગાં સંબંધી પણ આવી પહોંચ્યાં હતાં. ગંગાપાન, જમનાપાન, રમણ રેતી ને ચરણામૃત વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ લલિતાના મુખમાં મૂકીને પોતાની શક્તિ પ્રમાણે પુણ્યદાન કરાવ્યું. કમળી 'ઓ મા, ઓ મા?' એવા કોમળ સ્વરે લલિતાની નજીક આવીને આક્રંદ કરવા