પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
એ શું થયું?

તેનો ઇલાજ થવો જોઈએ.” “પણ શું ઇલાજ કરીએ ?” કિશોરલાલે સમા અને કહ્યું કે, “મેં આઠેક દિવસપર મોતીલાલને કહ્યું કે, તમારાં શરીરનું જતન નહિ રાખો, તો થોડા દિવસમાં મરણ પામશો, તમારી શી મરજી છે તે જણાવો. તમારે ખાતર કંઇ૫ણ સંકટ લેવાને હું તૈયાર છું.” આનો કંઇપણ જવાબ તેણે દીધો નહિ. પુનર્લગ્નની વાત કાઢી, ત્યારે તો તે વાત તેને ગમી નહિ. મને વાતમાં ને વાતમાં જણાવ્યું કે 'જેટલું વૈધવ્ય પાળવું ને એક્ પતિવ્રત પાળવું આપણા આર્યશાસ્ત્રમાં ઉત્તમ છે તેટલું પુનર્લગ્ન કરવું ઉત્તમ નથી. પુનર્લગ્ન એ સદ્દગતિનો ને સ્ત્રીના સતીપણાનો ઉત્તમ માર્ગ તો નથી જ ! પતિવ્રતમાં જેટલું પારલૌકિક સુખ સમાયેલું છે તેટલું તે તજવામાં નથી. જેમનાથી શિયળ નહિ સચવાય તે ભલે પુનર્લગ્ન કરે, પણ તે સારું તો નહિ જ.' પુનર્લગ્ન કેટલે દરજ્જે સારાં છે તે માટે કહેતાં તે બોલ્યો, લૂટ એ જાતે ખરાબ છે, પણ એક માણસ ખૂન કરે ને પછી લૂટ કરે તેના કરતાં એકલી લૂટ કરે તો તે ભલી, પણ તે પરથી લૂટ સારી ઠરતી નથી. પુનર્લગ્ન એ ઉત્તમ તો નહિ જ. પણ વ્યભિચાર, ગર્ભપાતાદિક હડહડતાં પાપ કરે તેના કરતાં પુનર્લગ્ન સારાં, તેટલો જ મારો મત છે.” આવા તેના વિચારપરથી હવે કંઇ તેની મરજી જણાતી નથી. પણ મેં ગઇ રાત્રિના નિશ્ચય કીધો છે કે મોતીલાલને હું સમજાવીશ, ને કમળી બેહેનને તું સમજાવ, અને એ સુખી થતાં હોય તે આપણા૫ર જે જે સંકટ પડે તે સહન કરીશું.”

આટલી વાત થાય છે કે તરત રામા ઘાટીએ આવીને કહ્યું કે "હજી આજે કમળી બેહેન કેમ ઉઠ્યાં નથી ?" દંપતી એકદમ ઉઠીને તેના એરડા તરફ ગયાં. બારણાં ઠોક્યાં, પણ કોઇએ ઉત્તર દીધો નહિ, તેથી ગંગા ઘણી ગભરાઇ, ને તરત બારણાંનાં સ્ક્રુ કઢાવીને અંદર જાય છે, તેવામાં એક ભયંકર દેખાવ નજરે પડ્યો, કમળી બેફામ અવસ્થામાં પડેલી હતી, ને તેનો આત્મા તેનો ત્યાગ કરી ગયો હતો. આ દેખાવ