પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
એ શું થયું?

કિશોરલાલ તો એવો સ્તબ્ધ થયો હતો કે પહેલાં જે રડ્યો તે જ રડ્યો, પછી તેનાથી નહિ બોલાય ને નહિ રડાય, ગળે કાચલી બંધાઈ ગઇ ત્યાં સુધી તેના શરીરમાં શોષ પડ્યો. આ વખતે કોઈ પણ તેને દિલાસો આપનાર નહોતું - ને જે હતો તે માત્ર રતનલાલ હતો. પણ તેનાં ગાત્ર તો આ વર્તમાન સાંભળતાં પૂરાં જ ગળી ગયાં હતાં. ઘરનાં ચાકરનફર સર્વે રડવા લાગ્યાં, કેમકે કમળીએ કોઈ દિવસે કોઈ પણ ચાકરને તુંકારો કીધો નહોતો, કોઈને અપમાન આપ્યું નહોતું, તેમ સઘળા પ્રત્યે પુષ્કળ વહાલ બતાવ્યું હતું, સૌ તેને ચહાતા હતા ને સૌને તે ચહાતી હતી.

લગભગ આ રડારોળમાં બે કલાક વીતી ગયા, સ્ત્રીમાં માત્ર ગંગા હતી, એટલે બીજાં દૂરનાં સગાંને તેડાવી મંગાવ્યાં, ત્યાં સુધી તે જ માત્ર રડતી હતી - એક આંખમાંથી શ્રાવણ ને બીજીમાંથી ભાદરવો વેહે તેમ રડતી - વહેતી આંખે તે રડતી હતી. મોતીલાલના ઘરમાં તો અત્યંત કલ્પાંત થઇ રહ્યો હતો, તેની પ્રકૃતિ બગડતી જાણી, તેનાં માબાપ મુંબઇ આવ્યાં હતાં, તેથી આ બનાવ જોયો એટલે તેમના કલ્પાંતનું તો પૂછવું જ શું ? મોતીલાલ સૌથી વધારે લાડવાયો હતો, ને તેની માતાએ તેની તબીયત માટે અનેક બાધા આખડીઓ લીધી હતી. તેની મરજી નહિ જોઇ, પાછળથી કોઇએ પણ તેને પરણવા માટે આગ્રહ તો શું, પણ કહેવું સરખુંએ મૂકી દીધું. તેમાં આ અકસ્માત્ બનાવથી તેમનાં કાળજડાં વિંધાઇ ગયા. તે વૄદ્ધ ડોસા ડોસીના આક્રંદ, અશ્રુપાત ને વિલાપ જોઇને દરેક જણનાં હૃદય ફાટી જતાં હતાં.

કિશોરલાલને ઘેર તેનાં સગાંવાહાલાં આવ્યાં ને કમળીને ઉંચકી લાવી કરકટીપર સુવાડીને શ્મશાન લઇ ગયાં. મોતીલાલના શબને પણ ત્યાંજ લાવવામાં આવ્યું હતું. સ્મશાનિયા સર્વેને આ અકસ્માત્ બનાવથી, કિશેાર ને મોતીલાલના પિતાપર પડેલા દુઃખથી ઘણું લાગી આવ્યું હતું. સમય કેવો બન્યો ! એક જ દિવસે, એક બાજુએ એકજ વખતે, એક જ સ્થળે, બે જુદી જુદી જ્ઞાતિનાં છતાં એક બીજાને એક