પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
બે પત્રો !

દિલાસો આપતા હતા, તે પત્ર હવે કદી પણ મને મળવાના નથી કે નજરે જોવાની પણ નથી.

પણ હવે મારે શા માટે રડણાં રડવાં જોઇએ ? ધર્મ ને મારા પાતિવ્રત્યના પ્રભાવથી હું અટકી રહી છું - વિશુદ્ધિ મારો પળવાર ત્યાગ કરતી નથી; ને તમે જાણો છો કે, મારા મનમાં મહાઘોર યુદ્ધ ચાલ્યું હતું, પણ સંસારનાં અનેક કુટુંબ બંધનોએ મને ને તમને અટકાવ્યાં, ને તેમ કરવાની જ્યારે પ્રભુની ઇચ્છા છે ત્યારે પછી તેની સામા આપણે યુદ્ધ કરવું, તે શું વિના કારણનું નથી!

કંઈપણ અનર્થ ન થયો હોય તો હવે કંઈપણ પ્રભુ કરાવે નહિ. પણ જ્યારે મારો ઉત્તમોત્તમ અને વધારે અમૂલ્ય હીરો પ્રયાણ કરે છે ત્યારે હું પણ છેલ્લા રામ રામ કરવામાં પાછી હટીશ નહિ. જે સદા જ હૃદયમાં ચોંટી બેસનારો છે, જે સદા જ શોકસાગરમાં નાંખનારો છે, તેના ૫છી જીવીને શું કરવું છે ? જીવવામાં સુખ નથી તો મરવું શું ભુંડું છે ? જેણે મારા પ્રત્યે પ્રેમ અને મમતા બતાવી છે તેનો બદલો હું તો શો આપી શકીશ ? તેવી કશી શક્તિ મારામાં નથી.

અને ત્યારે મારા પણ છેલ્લા રામ રામ. પૂજ્ય પવિત્ર અને મનુષ્યોમાં અતિ શ્રેષ્ઠ ભાઇ, રામ રામ ! હવે શું આપણે પરમાત્મા હજુર પાછાં ભેગાં થઇશું? મને પૂર્ણ વિશ્વાસ છે કે થઇશું ! પરંતુ તે સમય નહિ આવે ત્યાંસુધી એક ઘણી નમ્ર વિનંતિ ધ્યાનમાં લઇ તારી કમળીના રામ રામ સ્વીકારજે ! હે પ્રેમી જીવ, ધર્માસ્થાને લીધે પ્રેમનો બદલો ન વાળી શકનાર અભાગી અબળાના છેલ્લા રામ રામ ! કમળી."

આ પત્ર લખ્યા પછી કમળીએ પોતા પાસે પડેલું આર્સેનિક લીધું, પણ તે લેવાનો સમય આવે તેટલામાં જ તેનું હૃદય સ્તબ્ધ થઈ બંધ પડતાથી તેનો પવિત્ર આત્મા નિરાશાના દુઃખથી નીકળી ગયો, જે પળે મોતીાલાલના આત્માએ પણ પ્રયાણ કીધું.