પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
તારી

દામડાં સાસુ ને નણંદ મારતી હતી, તે આ બાપડીથી સહેવાયાં નહિ, ને તે હકીકત કિશેારના જાણવામાં આવતાં પોતા પાસે તેડાવી લીધી. તેણે કોઈપણ રીતે પોતાની નાની બહેનને સુખ આપવામાં કસર રાખી નહિ, ને ગંગાએ તો એવો જ જાણે નિયમ લીધો હોયની કે મણી બહેનને પૂછવા વગર પગલું ભરવું નહિ - તેમ વર્તતી હતી. મણીએ ઘણી સારી રીતે વિદ્યાભ્યાસ કીધો હતો, તેથી તે બારે પહોર ને બત્રીસે ઘડી ભણવા ગણવામાં તથા “ભગવદ્દગીતા”ના પાઠ કરવા તથા સતીગીતાદિ વાંચવામાં પોતાને કાળ ગાળતી હતી.

તુળજાગવરી ને કેશવલાલ અમદાવાદમાં હતાં. વેણીલાલ સૂરતમાં નોકરી કરતો હતો. કુટુંબનું કામ યથાયોગ્ય વ્યવસ્થામાં ચાલતું હતું ને સઘળે સુખશાંતિ હતી. ત્રણે ભાઈઓને અન્યોન્ય સારો બનાવ હતો ને હવે ત્રણે વહુવારુને પણ સારી રીતે બનતું હતું. લલિતાબાઈના મુવા પછી વેણીગવરી ને વેણીલાલ સુધરી ગયાં હતાં. તેઓ ગંગા તથા કિશેારલાલની ઘણી આમન્યા રાખતાં, એટલું જ નહિ પણ કેશવલાલ તથા તુળજાગવરી પણ તેમના તરફ ઘણું મમતાથી વર્તતાં હતાં. કવચિત્ ગંગા-કિશેાર ને કવચિત્ વેણીલાલ, કેશવલાલ પરસ્પર મળવા આવતાં જતાં હતાં. કિશોરલાલનો વખત ધીમે ધીમે સારી રીતે જવા લાગ્યો. વખત વીતતો ગયો, તેમ તેમ શોક-દુઃખ ઓછાં થવા માંડ્યા. કમળાના મરણથી ગંગા-કિશેારને બીજા કરતાં ઘણું લાગ્યું, પણ તે ધીમે ધીમે ઓછું થયું. પાછો કોરટનો ધંધો અચ્છી રીતે ચલાવવા લાગ્યો, ને હાઈકોર્ટમાં ઉપરાચાપરી કેસો કિશોરને મળવા લાગ્યા, ને તે સઘળામાં એની પ્રતિષ્ઠા ઘણી વધી. પાંચ પૈસા તેણે પેદા કરી લીધા, ને જે ઘરમાં એ રહેતો હતો, તે ઘર પોતાની મિલકત થાત, પણ ગંગાએ તેમ કરવાને ના પાડવાથી તેણે સારી રીતે પૈસા એકઠા કીધા. સર્વ વાતે કુટુંબ પાછું સુખી અવસ્થામાં હતું.