પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ગંગા–ગુર્જર વાર્તા


તારાગવરી હમણાં પાંચ વરસની છે, તે ઘરમાં દોડાદોડ કરી મૂકે છે, ને વાડામાં, આગલા બગીચામાં કે ફુવારા નજીક પોતાની મેળે એકલી આવજાવ કરવાને શક્તિમતી છે. તેનું કાલું કાલું બોલવું તથા નાની નાની કવિતાઓનું મોઢે કરવું, ને ગાવું ને રમવું એ સઘળાથી ગંગા-કિશેાર ઘણા આનંદમાં દિવસ નિર્ગમન કરતાં હતાં. તારી ઘણી ચાલાક હતી. તે ચંચળ તેમ જ સઘળું ધ્યાનમાં રાખી શકે તેવી હતી, તે સાથે ઉછાંછળી નહિ પણ ઠંડી હતી. પોતાની પ્યારી મેના સાથે તે ઘણી ગમ્મત કરતી હતી, ને જે તારી બહાર હવા ખાવા ગઈ હોય તો મેના ઘરમાં બૂમાબૂમ પાડી મૂકતી હતી. આ રીતે કિશોરલાલનું ઘર પાછું આનંદભવન થઈ રહ્યું હતું.

પણ એટલામાં એક ઘણો ભયંકર બનાવ પાછો કુટુંબમાં બન્યો. ગંગા કદીપણ આળસુ નહેાતી અથવા તે કદીપણ દિવસની નિદ્રા લેતી નહોતી. સદા જ તે ઉદ્યોગી હતી. તે પોતાનું સઘળું ઘરકામ ચોક્કસ રાખતી હતી. વૈશાખ માસમાં એક દિવસે ઘણો ઉકળાટ થવાથી તે સહજ ઉંધમાં પડી હતી. ચાકરો કામકાજમાં ગુંથાયા હતા; ને તારી બગીચામાં રમતી હતી.

ગંગા અર્ધો કલાક ઉંઘી નહિ ઉઘી, તેવામાં જાગ્રત થઈને તારીને નહિ જોવાથી ગાભરી ગાભરી બૂમ પાડવા લાગી. 'તારી, તારી' ઘણી બૂમ પાડી, પણ તારીએ કશો પણ જવાબ દીધો નહિ. તરત તેણે બહાર આવીને ચાકરોને પૂછયું કે, “તારી ક્યાં છે ?” તેમણે કહ્યું કે ઘરમાં જ છે, પણ ઘરમાં ઘણીએ શેાધી છતાં તારી દેખાઈ નહિ, તારી ગઈ ક્યાં, એ સવાલ થતાં જ સઘળા ચાકરો કામકાજ પડતું મુકી દોડ્યા, પણ આસપાસનાં ઘરોમાં કે રસ્તાપર અથવા કોઈપણ ખૂણા-ખાંચામાં તારી નહોતી. ગંગા ઘણી અધીરી બની ગઈ, એટલું જ નહિ પણ ઘણી ગભરાઈ ને ઘરના સઘળા ઓરડાઓમાં તે ફરી વળી ને તારી તારી ઘણી પોકારી, પણ કોઈપણ સ્થળથી તારીનો જવાબ મળ્યો નહિ.