પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખરેખરી સુખી તે હું જ છું!

તેથી ગંગાને એવી સરસ કેળવણી આપી કે, જેથી તે ડાહી, ગંભીર, ગર્વરહિત, મીઠા બોલી, સામાને રીઝવનારી, ઘરરખુ અને મળતાવડી થઈ હતી. માત્ર હાલના ચાલુ રિવાજમાં ઘટતા ફેરફાર થાય તો ગુજરાતી કરતાં, ઘરસંસારની બાબતમાં કોઈ વધારે સુખી થાય નહિ, એમ તે ધારતી હતી.

આવા ઉત્તમ વિચારવાળી 'ગવર્નેસ'ના હાથ નીચે ગંગા એવી તો હોશિયાર થઈ કે, તેને માટે આખા વડોદરામાં વાતો ચાલ્યા કરતી. અગિયાર વર્ષની ગંગા થઈ ત્યારે તે કોઈપણ અંગ્રેજ સ્ત્રીપુરુષ સાથે અંગ્રેજીમાં વાતચિત કરવાને પૂરેપૂરી શક્તિમાન હતી. તેની બોલવા ચાલવાની છટાથી કર્નલ ફેરની સ્ત્રીએ વારંવાર તેને કેટલીક બક્ષિસો આપી હતી. સંગીત, 'પ્યાનાફોર્ટ', 'હારમોનિયમ', ને 'કોનસરટીના' તે સારી રીતે બજાવી શકતી હતી. કેનવાસ ઉપરનું ભરત કામ એવું તો સરસ કહાડતી કે, તેને માટે બે ચાંદ તેણીને બક્ષિસ મળ્યાં હતાં.

એની ક્રાંતિ માટે તમને કંઈ ભાસ થાય છે વારુ ? તે શું મુંબઈવાળી મંદુડી, જુવાનીમાં દીવાની જેવી, જરા ચાલતાં પગ લચકાઈ જાય તેવી હતી ? પતરાજીમાં, તડાકા મારવામાં, ફુલણજી ફુલકોર બનવામાં, મુંબઈની નાજુકડી સ્ત્રીઓ પ્રથમપદે હોય છે. તેવી તે નહતી. મુંબઈની પારસણો કે ગુજરાતણોના જેવા પોશાક કે ઠસારો ને લજજા રહિત હાવભાવ તેનામાં હતા જ નહિ, પણ તેના કરતાં વિશેષ સરસ – નહિ કે માત્ર કહેવાના, પણ ખરેખર ઉત્તમ ગુણો તેનામાં હતા. શરીરનો બાંધો ઘાટીલો હતો. બાળપણનો તેનો પોશાક ને કાંતિનું વર્ણન કરવું આ સ્થળે વ્યર્થ છે, તેથી તે કરતાં પહેલાં એટલું જ કહીશું કે, મીસ ફાઉલર વિક્ટોરિયાના હાથ નીચે અચ્છી રીતે શીખ્યા પછી, તેર વર્ષની વયે તેનાં લગ્ન સૂર્યપુરમાં થયાં હતાં. હમણાં તેનું વય સત્તર વર્ષનું છે અને તે પોતાના પતિને ઘેર આવીને રહી છે.

ગંગા પોતાના ઓરડામાં જઈને સ્વચ્છ પોશાક સજીને જલદી તૈયાર થઈ દિવાનખાનામાં આવી. આ વખતની તેની છબી ઘણી દિવ્ય