પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
કરમાયેલું કુસુમ


“કોણ, પ્રિય ?” પુંઠ ફેરવીને ભોંયે પડેલા વાસણ સાથે અથડાઈ તેથી તે લથડિયું ખાતી, એકદમ ગળગળી થઈને, પોતાના પ્રિયના ખભાપર બન્ને હાથનાં આંગળાંની આંટી ભેરવી, ખભાપૂર હાથ નાખી, ટીંગાઈ જઈને શોકવદને આંખમાં આંસુ લાવતી વળગી પડી ને બોલી.

“કેમ, ગંગા, પાછાં માંદા પડવું છે કે ? પ્રિયા ! જો યાદ રાખ, તારી તબીયત ઠેકાણે આણવાને ઘણી મહેનત પડી છે, ને હવે તારે હસી રમીને વખત ગાળવો જોઈએ. પણ આમ શોકસંતા૫ કરીને ગાળવાનો નથી, શું કામ તારે સવારના પહોરમાં આટલો બધો શ્રમ ઉઠાવવો જોઇયે ? તું થાકીને લોથ થઇ ગઇ છે, ને તારી અશક્તિને લીધે જ તારાથી આમ ગળગળાં થઇ જવાય છે.”

“નહિ, નહિ પ્રિય;” કિશેારને ગંગાએ પોતાનો શેાક દર્શાવતાં ઘણી જ નમ્ર વાણીથી કહ્યું-“તમે જાણો છો કે મને કામ કર્યા વિના ચાલતું નથી, ને હું હોંશથી કામકાજ કરું છું. પણ એમ નહિ ધારતા કે તેથી હું કંટાળું છું, મને કામ કરવાની હોંશ જ છે, ને મને તે કર્યા વગર ગમતું નથી, પણ તેથી જ મને કંઇ દુઃખ થયું છે એમ નહિ ધારશો. આજે કંઇપણ માઠો બનાવ ઘણો જલદીથી બનનાર હોય તેવી મારા મનમાં લાગણી થાય છે. તેમ માનવાનું કારણ એ જ કે આ મારો વહાલો મોગરો કરમાઇ ગયો.”

“છટ ! વેહેમી થઇ ? એવું શું કારણ છે કે તું હવે ગભરાય છે ? હોય નાશવંત પદાર્થપર પ્રીતિ રાખવાનું કારણ નથી. જે ખીલ્યું તે ખરશે, ને જન્મ્યું તે મરશે જ. તેમાં શોક સંતા૫ શાનો ને કેવો ? એવો વહેમ ન લાવ. વહેમથી ને વહેમથી જ તું અડધી માંદી પડી છે.”

“મને જરા પણ વહેમ છે જ નહિ, ને મારા માથાપર તમે નકામો આરોપ મૂકો છો. પ્રાણપ્રિય ! મને તમે કોઇ પણ દિવસે વહેમી જોઇ છે ખરી ? સામાન્ય લોકોમાં ચાલતા વહેમને મેં ધિક્કાર્યા છે. હું તેવા વહેમ રાખનારને સુધારું છું, તેમનાં મન કેળવીને સારાં બનાવું છું.