પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ગંગા–ગુર્જર વાર્તા

વસ્તીમાં ઘણાં માનીતાં થઇ પડ્યા છે. જો કે કાર્ટમાં જોઇયે તેટલાં કામો, કમનસીબથી કિશેારને મળતાં નહોતાં, ને વખતોવખત પૈસાની તાણ પડતી હતી, પણ મણી ને ગંગા ઘરસંસાર બરાબર નિભાવી લેતાં. ઘરમાં જોઇતી વસ્તુ વગર વખતે અટકી બેસવાનો સમય આવતો હતો, તથાપિ આ કુટુંબ ઘણીક રીતે સુખી હતું. કિશેારનો રહેવાનો મુકામ હતો, તે સ્થળ ગામથી સાધારણ રીતે ઘણું દૂર હતું, ને ત્યાં ઘણા થોડા મિત્રો કિશોરને મળવા જતા હતા, તેથી તેમની સ્થિતિ સંબંધી ઘણું થોડું જાણવામાં આવતું હતું. વખતે મહિનાના મહિના સુધી કોર્ટનું એકે કામ મળતું નહિ ને પૂનામાં દક્ષિણીઓનું જોર જબરું હોવાથી કોઈને ફાવવા દેતા નહિ. કિશેાર ઘણો હોંશિયાર છતાં પણ તેનું ફાવ્યું નહિ, ત્યારે બીજાના કંઇ પણ આશરા લાગે જ ક્યાંથી ? તેટલું છતાં તેની હોંશિયારીથી તેના મિત્રો ઘણા થયા હતા, જેઓ એક રીતે નહિ તો બીજી રીતે કદી કદી રળાવી આપતા. અરજીઓ તથા ખતપત્રો કરવામાં કિશેાર હોંશિયાર હતો ને તેથી જ ગુજરાન જેટલું મળી આવતું હતું. પૈસાની તાણ ઘણી હોવાથી માત્ર બંગલા શિવાય બીજો કશો દબદબો રાખ્યો નહોતો. માત્ર મુંબઇથી લઈ ગયેલા વફાદાર રામા શિવાય બીજું કોઈ ચાકર માણસ નહોતું; ને તેથી ઘણી વેળાએ હેરાનગતિ થઇ પડતી. આવા વખતમાં ગંગા ગર્ભવતી થઇ, ને જો કે પ્રસવ તો સાંગોપાંગ ઉતર્યો, તથાપિ બાળક તો તરત જ મરણ પામ્યું. આવી કઠિન વેળામાં રસોઇ આદિ ઘણું ખરું સઘળું કામ બાપડી મણીને કરવું પડતું હતું. તે સદા જ કામમાં ને કામમાં જ રોકાયલી રહેતી; છતાં ભાઇ-ભાભીને કંઇ પણ અડચણ પડે નહિ તેને માટે તપાસ રાખતી. ઘરમાં કિશેાર આવે કે તેને માટે ચાહ તૈયાર રાખતી. કદી પૈસાની તાણ હોય તો તે તપાસી લેતી, ગંગાને ઓસડિયાં પણ કરી આપતી ને વખતે રામો બીજા કામમાં રોકાયો હોય તો દીવો ગ્લાસ પણ જાતે કરી લેતી હતી. ગંગાની સુવાવડ સાંગોપાંગ ઉતર્યા પછી તે