પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
ગંગા–ગુર્જર વાર્તા

આદરસત્કારથી આનંદ પામતાં હતાં; ને જો તેમનાં ખેતરોમાં કઇ પહેલી સરસ વસ્તુ ઉત્પન્ન થતી તો તે ગંગા શેઠાણી માટે પહેલી લાવતાં; જો કંઈ નવીન પદાર્થ આવ્યો હોય તો તે બતાવવા દોડ્યાં દોડ્યાં આવતાં; જો કંઈ વિપત્તિ પડી હોય તો તે જણાવવા પણ ચાલ્યાં આવતાં; કોઇ બચ્ચું માંદુંસાજું પડતું, કંઇ નજરબજર લાગતી તો તે માટે તેની સલાહ લેતાં. ગંગા તેમનાં બચ્ચાં માટે તથા તેમને પોતાને માટે ઔષધ પણ આપતી, ને સારી સલાહ આપતી; જો કદી એકાદા ગરીબ કુટુંબપર કોઈપણ ઈશ્વરી કોપ થયલો હોય તો તેઓ એના મોં આગળ આવી પોતાનાં દુ:ખ રડતાં હતાં. ગંગા સૌને સારી સલાહ આપી, તેમનો દુઃખમાંથી કેમ છૂટકો કરવો તેની યુક્તિ બતાવતી હતી. શાંત શબ્દોમાં ગભરાયેલા મનને તે ધીરજ દેતી; બની શકે તેટલી મદદ કરતી, સારી સલાહથી તે બાપડાએાના કુટુંબમાં સારું થાય તેમ કરતી. ગરીબોનાં ઝુંપડાંમાં જઇને તેમને ધૈર્ય દેતી અને અહર્નિશ તે ગરીબ નિર્દોષો તેને આશીર્વાદ દેતાં હતાં; માંહોમાંહે લડતાં તો એવી સારી રીતે તેમનું સમાધાન કરતી હતી કે બંને જણ સમાન રીતે સંતોષ પામે. કોઇ બચ્ચું માંદુ પડે ને એના બંગલા લગણ આવવાને અશક્ત હોય તો તેના ઝુંપડાંમાં જઈને દવા દારુ કરતી, આથી તે એ પરામાં સૌથી વધારે માનીતી થઇ પડી હતી.

આવાં કારણોથી ગંગાની તબીયત પણ ઘણી સુધરી ગઇ હતી; કેમકે એકલાં ઝૂરી મરવા કરતાં તેનો સમય ગમ્મતમાં ઘણો જતો. ખરેખર ગમ્મતથી મન વધારે તન્દુરસ્ત રહે છે. તેમ જ એવાં કાર્યોથી કિશેારનો હાથ તંગીમાં છતાં કેટલીક રીતની મદદ આ પ્રમાણે મળી આવતી હતી. મણી જ્યારે રસોડાનું સઘળું કામ કરતી ત્યારે એ કદી મદી શાક તરકારી તૈયાર કરી આપતી, તે શિવાય એ સદા જ પરોપકારના કામમાં મચતી હતી.

પણ અફસોસ! ઈશ્વરને જાણે સારું ગમતું જ નહિ હોય, તેમ તેની