પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
વિપત્તિનું સાક્ષાત સ્વરૂપ

ઘણી ખરી રીતભાત જણાય છે. ઘણી વેળાએ ઈશ્વરી ન્યાય ઉલટા સુલટો દેખાય છે, એટલે 'ધર્મીને ઘેર ધાડ ને કસાઇને ઘેર કુશળ' તેમ બને છે. ઘણાં સદ્દગુણી માણસો દુઃખી જણાય છે, ને દુર્ગુણી માણસો અમન ચમન કરે છે. કદાપિ આ ઈશ્વરી ન્યાય, ગમે તેવો સાચો હોય તો પણ દુનિયાના માણસો એમાં ઈશ્વરને દોષયુક્ત કરે છે, ને તેટલું છતાં આમ તો ચાલૂ જ છે:-કે જે ઘરપર એકવાર સૂર્ય અસ્ત થયો, તેપર પાછો તે ઉદિત થવા પામતો નથી; ને જે ફૂલ એકવાર કરમાયું તે ફૂલ પાછું ખીલતું નથી; ગુમ થયેલો દીવો પાછો પ્રકટ થતો નથી, તેમ જ જ્યાં દૈવનો કોપ થયેલો હોય ત્યાં તરત શાંતિ પથરાતી નથી. દુનિયામાં દુઃખ જ છે, દુઃખ વગરની દુનિયા નથી ને દુનિયામાં દુઃખ શિવાય બીજું કંઈયે નથી. દુર્ભાગીને દુ:ખ પડે છે ત્યારે આપણે તેના દુ:ખમાં ઓછાપણું કરી શકતા નથી. પણ તે પછી શ્રીમાન્ હોય કે ક્રૂર હોય તથાપિ માત્ર દયાલાગણીથી જોઈને જ આપણે બેસી રહીએ છીએ; કેમકે આપણો બીજો ઉપાય નથી. કદી તેમની આંખેામાં જરા દુ:ખનું પાણી ભરાય ત્યારે આપણી આંખો ભીંજાશે, ને જાણે આપણા પોતાપર દુઃખ પડ્યું હોય તેવી લાગણી થશે, ત્યારે આપણે ઘણું તો ઈશ્વર પાસથી એ જ માંગીશું કે તેનું દુઃખ આપણને આપે, ને આપણું સુખ પ્રભુ તેને આપે; પણ એવું કંઈ કરવાની શક્તિ ન હોવાથી આપણે માત્ર વિચાર કરીને જ બેસી રહીશું. એ ઈશ્વરન્યાયમાં ખૂબી કે ખામી ગમે તે હોય, પરંતુ આપણો ઉપાય શો ?

કિશેાર ને ગંગાપર, તેમના અનેક સદ્દગુણો છતાં ઈશ્વરી કોપ ઉતર્યો, તેનાં શાં કારણો હશે તે પ્રભુ જાણે, આપણને કંઈ માલમ નથી, તે બાપડાં કુટુંબસુખમાં ગમે તેમ નિર્વાહ કરતાં હતાં, તે દુષ્ટ દૈવથી દેખી ખમાયું નહિ. શિયાળો શરુ થયો ને કમનસીબ ખાંસી કિશેારને લાગુ થઇ. ખાંસી ઘણા જોરમાં ઉપડેલી હતી, પણ કિશોરે તેની કંઇ પણ દરકાર રાખી નહિ. પહેલે દવા કરવી જારી કીધી, ને મુંબઇથી