પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
વિપત્તિનું સાક્ષાત્ સ્વરૂપ

એમ ઉપરા ઉપરી ગંગાએ પોતાના શણગાર વેચવા માંડ્યા. કિશેાર પૂછતો, તો તે કહેતી કે, “તમે આરોગ્ય થયા કે, મને એ શણગાર મળતાં શી વાર છે ?”

ગુણવંતી ગંગાએ એકલે હાથે પોતાના ધણીના દુ:ખમાં ભાગ લેવા માંડ્યો. તે સઘળા પ્રકારે પોતાના ધણીને કંઇ પણ ઉણું પડે નહિ તેની સંભાળ લેતી હતી. તે જાણતી હતી કે, તેનો સૌભાગ્યને શણગાર ગયા પછી આકાશ કદી પણ નિર્મળ થવાનું નથી; છતાં જે પૈસા ખરચાતા હતા તે માટે ઘણી કાળજી રાખતી હતી, પણ તે કદી પણ કિશેારને એ કાળજી માટે જાણવા દેતી નહિ. જ્યારે એ ઘણી ગભરાતી ત્યારે એકાંતમાં જઇને રડતી ને જો આંખો સૂણી જતી તો તે છૂપાવવા માટે અનેક પ્રકારે આંખને ચોળતી હતી, ને તેથી ખરું કારણ બહાર આવવા પામતું નહિ. તેટલું છતાં આ વિડંબના કિશેાર પારખી કાઢતો. પણ તે શું કરે ? ઘણો મુંઝાતો હતો, પણ તરતને માટે દમ મારીને બેસી રહેતો હતો, તેમ જ ગંગા કદી પણ પોતાનો શોકભરેલો ચહેરો બતાવતી નહોતી, પણ સદા જ હસતું મોઢું રાખતી હતી. કિશેાર તેનું ખુશી ભરેલું મોઢું જોઇને પોતે પણ મન મારીને ખુશી દેખાતો હતો, ને ગંગા સુખી છે એવું ધારી પોતે સુખી થશે એમ માનતો હતો. આટલું છતાં ગંગાના મનના ઉંડાણમાં જે શોકદુઃખે જડ ઘાલી હતી, તેથી તે દહાડે દહાડે સૂકાઇ જતી હતી ને તેના મોંપર જે તેજસ્વીપણું હતું, તે જતું રહી મોઢું લુખ્ખું પડી ગયું હતું. તે જે કંઈ બોલતી, તે ભાંગેલું તૂટેલું હતું; કંઇ કામ કરતી તો ગમે તેમ થઇ જતું હતું; યાદદાસ્ત શક્તિ ઘણી મંદ પડી હતી; પોશાક પહેરવામાં જથરપથરપણું આગળ પડતું હતું; ઉદાસીનતા મોંપર આચ્છાદાયલી હતી ને તે સાથે ચિત્ત ગભરાયલું રહેતું હતું.