પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
ગંગા–ગુર્જર વાર્તા

થશે જ. મણિબેન મારા માટે મુઇ છે. મારા માટે તેણે અગાધ શ્રમ લીધો છે, ને તે શ્રમમાં તેનું અકાળ મૃત્યુ થયું ! હાય ! હવે મારાથી કેમ રહેવાશે ? બેશક મણિ ઘણી શાણી ને ડાહી હતી, તેણે મને આ દુનિયામાં દુઃખ પડવા દીધું નથી ને તેથી જ પેલી દુનિયામાં મારા માટે જગ્યા રાખવા ગઇ છે. હું તેને હવે જોઉં છું ને તે મને બોલાવે છે. હવે હું જઇશ. ગંગા, વહાલી ગંગા ! તું એકલી પ્રભુભજન કરી આયુષ્ય ગાળજે. આપણે ફરીથી મળીશું જ. તું શાણી થઇને મારે માટે વિલપતી નહિ. શું તને જ વિપત્તિ પડવાની છે? તારાથી બીજાં ઘણાં દુ:ખી છે, માટે ધીરી થજે. ઘરને સંભાળજે. પણ હું તને શું કહું? તું સર્વ રીતે શાણી છે, એટલે મારો શોક મૂકી દઇ મારા કુટુંબને સુખી રાખવા મથજે.” આટલું બોલતાં બોલતાં તેનાં નેત્રોમાંથી મોટો ધોધવો વહ્યો; પણ ગંગાનાં તો ગાત્ર એટલાં શિથિલ થઇ પડ્યાં કે તેનાથી કંઇ જ બોલાયું નહિ, કેટલીકવાર તે અબોલી સૂનમૂઢ માફક જોઇ રહી. પછી તેના અશ્રુમાંથી મોટો રેલનો પ્રવાહ વહેવા લાગ્યો, તે પાલવડેથી લૂછી તે બોલી, “પ્રાણેશ! હું તમારી અર્ધાંગના તમારી સાથે ને સાથે છું. તમોને ત્યજી જવા દઇશ નહિ. તમો હવે ચિંતામુક્ત થાઓ. ઈશ્વર જે ધારે છે તે જ કરે છે, ત્યાં આપણો ઉપાય નથી. ધૈર્ય ધરો. તમે કલ્પાંત ન કરો. જે શોક ને દુઃખમાં મારે પડવાનું છે, તે હું કેમે કરી ખમી શકું તેમ નથી. મારી એટલી જ ઇચ્છા છે કે, હું તમારી સાથે આવું.”

“ના, કૃશાંગી ! રે શાણી ગંગા ! મારી વહાલી ! તું હવે રૂદન ન કર ! તેં મારે માટે બહુ કીધું છે, ને હજી પણ મારે માટે તું શ્રમિત થાય છે? હજી પણ કલ્પાંત કરે છે? તું તે એક તું જ છે. મેં તને કદી પણ સુખ આપ્યું નથી, પણ તું મારે માટે, મારા ઘર માટે ઘેલી થઇ ગઇ છે. તેં એક મને જ જોયો છે; અને હવે શું રડે છે? કાં? એથી અર્થ શો સરવાનો છે? મનુષ્યને માથે દુ:ખ તો નિર્માણ કીધું છે, તે ભોગવવું પડશે જ. વહાલી ગંગા ! બસ હવે તું શોકમુક્ત થા ને મારા