પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
શોકસદન

છેલ્લા શબ્દપર ધ્યાન આપ.” આટલું બોલતાં તે ઘણો શ્રમિત થઇ ગયો. તેના કપાળપર પ્રસ્વેદનાં બિંદુ બંધાયાં. ઉપરાચાપરી ખાંસી આવવા માંડી. ગંગા તેના સામું જોઇ શકી નહિ. કિશોરે તેને પોતા સમીપ હાથ પકડી તેડી ને તેને માથે હાથ ફેરવ્યો, તો તે તદન શીતળ થઇ હતી. તેની છાતી અત્યંત ધડકતી હતી, તેના હાથપગે જાણે વંટ આવતા હોય તેમ થતું હતું. એક પ્રેમનું ચુંબન કરી પછી પાછો કિશોર બેાલ્યોઃ- “બસ, ઘણું થયું ! ગંગા ! પ્રિય ! શું તું મારી આ એક આજ્ઞા, મારા અંતકાળની આજ્ઞા નહિ માને? નેત્ર લૂછી નાંખ, ને મારી સામું જો. તેં શું કોઇ દિવસ મારી આજ્ઞાનો ભંગ કીધો છે કે આજે કરે છે? તારો શ્યામતા પામેલો ચહેરો હવે હું નથી જોઇ શકતો. તારું મ્લાન વદન હવે મારાથી નહિ જોવાય. ધીરી થા, ને ઈશ્વરનું ચિંતન કર. હું હવે જઇશ. મળજે.” પણ વાસ્તવિક રીતે આ સઘળા શબ્દમાંનો એક પણ શબ્દ ગંગાએ સાંભળ્યો નહોતો. તે ચિત્તશૂન્ય થઈ પડેલી હતી. પણ કિશોરના આ છેલ્લા શબ્દોએ તેને ચમકાવી. તે નેત્રમાં અશ્રુ લૂછવાને શક્તિમતી થઇ નહિ, ને કંઇ પણ બોલવાનો પ્રયત્ન કરે તેટલામાં તો કિશોરલાલના મોઢાપર મોતની લહરો છવાઇ ગયેલી તેણે જોઇ, કિશોરે માત્ર એક ધીમું ડચકિયું લીધું, તેનાં નેત્રો જોતજોતામાં બંધ થઇ પડ્યાં, શ્વાસ ઘણો ધીમો પડ્યો, તેનું સુકોમળ વદન એકદમ નિસ્તેજ થઈ ગયું, ને તે ઈશ્વરધામમાં જતો જણાયો. અરેરે, હવે બિચારી ગંગાનું શું થશે? હાય, તે બિચારી તો આ બનાવ જોઇ, “હે નાથ! હે કિશોરલાલ! તમે મને મૂકીને ગયા? ના, ના, હું તમારી સાથે આવું છું!” એમ બોલતી મૂર્છા ખાઈ પડી અને તે સદાની જ પડી !

* * *

અહીં અમારી વાર્તા સંપૂર્ણ થાય છે, હિંદુ સંસારના નવીન નવીન પ્રકારોના બનાવોનું અત્રે દર્શન કરાવવામાં બને તેટલો શ્રમ લીધો છે,