પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
શેાકસદન

કહ્યું નથી; સસરાના કુટુંબમાં જ તે મચી રહી ને તેના જ હિતમાં તે ખપી ને સ્વર્ગે ગઇ. પિતા પૈસાદાર હતો ને “પિયેરપનોતી” છતાં ગર્વ કે મત્સરનું વચન કાઢ્યું નથી. એ જ પત્ની તે ખરી! એજ કુળવધૂ ને એ જ શુભ સ્ત્રી !! એવી પત્ની મળે તેને રત્ન કરતાં પણ મોંઘા પદાર્થની પ્રાપ્તિ થઈ છે એમ સમજવું. હવે આપણે નાયિકા ગંગાની અવસ્થા માટે જાણવું અવશ્યનું છે.

* * *

પ્રભાતનો પહોર હતો. એક બાજુએ તાપી નદીના ઘાટ પર તીર્થસ્નાન કરનારાઓ ન્હાતા હતા, કોઇ કોઇ વસ્ત્ર ધોતા હતા, કેટલાકો નાક પકડી ઈશ્વર પ્રાર્થના કરતા હતા ને કોઇ સ્ત્રીઓ પાણી ભરી જતી હતી. ખેતરોમાં જતા બળદોની ઘંટાના નાદ સંભળાતા ને પાણીનો કોશ ચાલુ થઈને રેંટમાળામાંથી ચું ચું અવાજ નીકળતો હતો. વખત સવારના આઠનો થયો હતો. આ વેળાએ અશ્વિનીકુમારના ગુપ્તેશ્વરના ઓવારા નજીક એક વૃદ્ધ ડોસો, લેવાયલે મોઢે ઉભો હતો; તેણે સ્નાન કીધું હતું, પણ દુર જે શ્મશાનમાં મડદાં બળતાં હતાં, તે તરફ તેની નજર લાગી રહી હતી. ઘણીવાર તે તરફ જોયા પછી તેણે ઉંડો નિ:શ્વાસ મૂક્યો, ને ઘાટપરના પગથિયાપર ચઢ્યો. અહીં તેને તેના બે મિત્રો મળ્યા, જેઓ કંઈપણ આદરસત્કારનો વ્યવહાર કીધા વગર તેની પૂંઠે ચાલતા થયા; ડોસાનું મોઢું લેવાયલું હતું, તેણે માથે સફેદ ફાળિયું નાખ્યું હતું તથા વસ્ત્ર ભીનું હતું, તે પરથી સાફ જણાતું હતું કે તે કોઈ શ્મશાનિયો-ડાઘુ-હતો.

ઘાટપરથી રસ્તામાં ચાલતા બીજા ઘણાક ન્યાતિલા શ્મશાનિયા તેની સાથે સામેલ થઈ ગયા. જે દૈવીકોપ એ વૃદ્ધ ડોસાપર એકદમ ઉતર્યો હતો તેથી નાગરી ન્યાતમાં ઘણો શોક વ્યાપેલો હતો. સધળા જ શૂન્યમૂઢ માફક ચાલતા હતા, કોઈ કંઈપણ બોલતું નહોતું, ડોસાની આંખમાંથી આંસુની ધારા વહી જતી હતી, ને તેની પાછળ તેનો એકનો એક દીકરો કંપતો કંપતો ચાલતો હતો.