પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
ગંગા–ગુર્જર વાર્તા

થોડેક ચાલ્યા પછી તે ડોસાના એક મિત્રે કહ્યું: “બિહારીલાલ, હવે શોક કરવો વ્યર્થ છે. ગંગા તમારી હોત તો તમને મળ્યા વગર ચાલી જાત? ખરેખર એના જેવી ભાગ્યશાળી સ્ત્રી આ સૃષ્ટિમાં - આ કળિ-કાળમાં મળવી મુશ્કેલ છે, સત્યયુગમાં સ્ત્રીઓ સતી થતી ને બળી મરતી એમ કહે છે, પણ આ કળિકાળમાં તેનાથી વિશેષ પ્રતાપી સ્ત્રીઓ છે. કિશોરલાલની પૂઠે ગંગા બહેન સતી થઇ, એ વૃત્તાંતે તો આખા શહેરને ખળભળાવી મૂક્યું છે. જેવો કિશોરલાલ પડ્યો તે સાથે જ એ મૂર્છા ખાઇને પડી ને તે જ ક્ષણે તેનો આત્મા ચાલ્યો ગયો, ને પોતાના પતિ સાથે આજે તે જગત્પિતાની હજૂર વિરાજે છે. સતી તે શું, કંઇ કહેવામાં છે કે? પતિ મૂવો તે પૂઠે ચિતા ખડકવી ને તેમાં બળી મરવું તે સતીપણું દુનિયા દૃષ્ટિનું છે; પણ ખરું સતીપણું તો આ જ ! એમના પ્રેમનો મહિમા અલૌકિક ગણાશે. એનું નામ તો “યાવચ્ચંદ્ર-દિવાકરૌ” સૂધી રહેશે, ને તમારા જેવાને પેટે આવું રત્ન, એ કંઈ જેવી તેવી વાત નથી.”

“ભાઇ, મને એના મરણ માટે દુઃખ લાગતું નથી;” રડતાં રડતાં બિહારીલાલે કહ્યું, “પણ હાય ! એ છેલ્લું મારી સાથે બોલી હોત તો બસ હતું. એનું મરણ તો કંઇ દૈવી જ છે; ને કિશોરલાલ નાગરી ન્યાતનું નાક હતો.”

“બેશક, એમાં શક શો છે?” બીજા મિત્રે કહ્યું, “કિશોર પડ્યો તે સાથે ગંગા પણ પડી. ખરા પ્રેમની એ જ નિશાની છે. પ્રેમનું જે લક્ષણ છે, તે કહી બતાવાય તેવું નથી, પણ સમય પરત્વે દેખાઇ આવે છે. મોહનચંદ્રના ઘરપર જે કોપ ઉતર્યો છે તેવો કોઇને ત્યાં ઉતર્યો નહિ હોય. એક દિવસમાં ત્રણ મૃત્યુ ! ઈશ્વરની લીલા અજબ છે; એટલે તેને દોષ કેમ દેવાય? એ ઘણું ખોટું થયું છે! પણ ઈશ્વર૫ર વિશ્વાસ રાખીને બેસવું જોઈએ. હવે તમારે તો આ પુત્રરત્નને સંભાળવાનું છે! અને ગુણવંતી ગંગાના સ્મરણ માટે કંઇ કરવાનું છે.”