પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
પરિશિષ્ટ

પાડોશીના ઘરમાં જઈને સંતાઈ બેઠો. બૈરાં છોકરાંઓ ઘરમાં તો એટલાં ગભરાયાં કે કોઈથી બોલાય સરખું નહિ, પણ દુર્લભદાસની ધણિયાણી જાતે સીફાબહાદુર હતી, તેણે બારણે આવીને બૂમ મારતાં બાંડીયા તુરકમીરઝાંઓને અટકાવ્યા. પૂછ્યું કે “છે શું ?” એકાદ મિયાં સાહેબે એલફેલ બોલી પોતાની જાત જણાવી, પણ જમાદાર સમજુક હતો, તેણે સૌને વારીને બાઈને ખુલાસો કીધો કે, “ખુદાવંદે, અબીકા અબી દુર્લભદાસકું પકડકર લાનેકા હુકમ દિયા હૈ, ઓર હમેરી રજ્જુ આવે, હમ સબ ઉસકે માન દેકર લે જાયગા, દુસરી ગડબડ કુચબી નહિ હૈ !” ગુલાબ શેઠાણીએ પોતાના ધણી પર આવેલી આફત જેઈને જમાદારને ઘરમાં બોલાવી બસો સોના મ્હોરની ભરેલી થેલી હાથમાં સેરવી દીધી અને કહ્યું કે, “જમાદાર સાબ ! જાકર નબાબસાબકું બોલો કે 'ઓ બનિયા તો ગામકું ગયા હૈ," કલ આયગા તબ આપકી હજુરમાં આકર ખડા રહેગા.” જમાદાર ચાલ્યો ગયો. બીજે દિવસે બે હજાર સોના મ્હોરથી ભરેલો રુપાનો થાળો લઈને શેઠ સવારના પહોરમાં નવાબ સાહેબની હજુરમાં ગયા; અને નવાબ સાહેબના પગ આગળ ભેટ મૂકી નમ્રતાથી કહ્યું કે, “હું આપનું બચ્ચું છું ! ગમે મારો કે ઉગારો !” નવાબને રહેમ છૂટી અને તેને ગુન્હો માફ કરી શાલ પાઘડીનો શિરપાવ આપીને ઘેર મોકલ્યો.

હમેશા મેાટાના ઘરનાં બૈરાંઓ ઘણું કરીને એદી, વાતુડાં, ધર્માંધ અને હલકાં લોક સાથે વાર્તાવિલાસ કરનારાં હોય છે, પણ આત્મારામ ભૂખણને ત્યાં જે સ્ત્રીઓ હતી, તે વિવેકી અને સદ્ગુણી તે વખતમાં ગણાતી હતી. તેઓ પોતપોતાનું કામ જાતે જ કરતી અને મર્યાદા, કુળલજ્જા, શિયળતા જાળવવામાં સારી રીતે વખણાતી ને પ્રસંગે પ્રસંગે પોતાના પતિઓને સારી રીતે સલાહ આપતી હતી. એ કુળ માટે નવાબનો એવો હુકમ હતો કે, જે પુરુષ આફતાબગીરી લે તો લેવા દેવી અને તે હુકમ મેળવવાનું માન પણ ગુલાબબાઈને જ ઘટતું હતું. છચોક નવાબ સાહેબ સાથે વાત કરવાની હિંમત ગુલાબબાઈએ ઘણી વખત કીધી હતી, અને નવાબ તેની બહાદુરીનાં ઘણાં વખાણ કરતો હતો. હાલનાં મુડદાલ જેવાં અને માંઈકાંકલાં, જાણે પગ મૂકે તો હમણાં પડી જશે, એવી સ્થિતિનાં બૈરાં તે વખતે વાણિયામાં ભાગ્યે જ હશે.