પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ગંગા–ગુર્જર વાતો


“શાંતિ! શાંતિ” પિતાએ કહ્યું-કંઈ ઉતાવળ ને ગભરાટથી “એને, ગંગા બા, તું હાલ કંઈ વધારે કરશે તો ભયની મારી એ મરણ પામશે. કંઈ ઘણી મજબૂત નથી, જગદંબા એનું રક્ષણ કરશે ! આપણે તો અશક્ત છીએ ! ઓ કમળી, કમળી, બેટા, તને શું થયું ?”

“અરે પિતાજી, તમે શું અહિયાં છો?” કમળા એટલું બોલી ક્ષણભર ચૂપ રહ્યા પછી પાછી બોલી; “માતા, મારી રક્ષા કરો. માતાએ મને ભયમાં નાંખી છે, પવિત્ર મા ! હું હવે તારું સ્મરણ કરીશ, ને તને સદા સ્મરીશ.” વહેમથી તેણીને એમ લાગ્યું કે, માતા જ મારા શરીરમાં છે અને તુરત જ બ્રાહ્મણોએ, “જય જય કાળીમા !” “જય જય, તુલજાભવાની..."ની બૂમ પાડી દેવાલયને ગજાવી મૂક્યું.

ત્યારે એ શું છે ? શું દુર્ગાદેવી તેના શરીરમાં આવી છે ? નહિ દુર્ગા અને કાલકા જો આવી રીતે બીજાના શરીરમાં પ્રવેશ કરી અપવિત્ર બનતી હોય તો તે પૂજ્ય પવિત્ર ગણાય નહિ અને એમ જ ગંગા પણ માનતી હતી, પણ ત્યારે એ શું થયું હતું ?

વેણીગવરી આ જોઈને રડવા લાગી; મદન પણ કોલાહલ કરી રહ્યો. સઘળા બ્રાહ્મણો તો “જય જય ભવાની” કરવા મંડી પડ્યા. ગંગા જોકે ઘણી ગભરાઈ ગઈ હતી, તો પણ ધીરજ ધરી કમળાની પાસે બેઠી અને તેના મ્હોપર પાણી છાંટી સાવધ કરવાના યત્ન કરવા લાગી.



પ્રકરણ ૩ જું
કમળાની મૂર્ચ્છા

કમળાના બેભાન થવાથી મોહનચંદ્રને ઘણો ગભરાટ થયો. દેવમંદિરમાં આ પ્રમાણે થવાથી તેને ઘણી શંકા ઉત્પન્ન થઈ કે, જો મંદિરમાં જ કમળી મરણ પામશે તે મંદિરની શુદ્ધિ માટે મોટો ખર્ચ કરવો પડશે. તેની મરજી એવી હતી કે, જેમ બને તેમ જલદી, અહીંથી એને ઉંચકીને ઘેર લઈ જવી.