પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
ગંગા-ગુર્જર વાર્તા


“હા, મને તેનાં ગુસ્સાભરેલાં દર્શન થયાં, પણ પછી તે હસીને ચાલ્યાં ગયાં.” કમળા એટલું બોલીને અંબા તરફ નમ્ર વિનતિ કરવાને પાછી ફરી. તેના પગ થરથર ધ્રુજતા હતા, તેનામાં બોલવાની શક્તિ ઘણી થોડી હતી. છતાં તે બોલીઃ “ઓ પૂજ્ય પવિત્ર શક્તિ ! તારા ચરણમાં મારું મસ્તક છે અને માત્ર તું જ એક સર્વ સિદ્ધિદાતા છે. તારી ઇચ્છામાં આવે તેમ કર, આ રંક કિંકરીને સતાવ ના, પણ તારો આશીર્વાદ આપ. તારી ઇચ્છા પ્રમાણે વર્તવાને હું બંધાઈ છું !” ધુંટણ૫ર પડી, એ પ્રમાણે પ્રાર્થના કરીને તે જોર ભેર ઉઠી ઉભી થઈ અને મોહનચંદ્રને કહ્યું, “પિતાજી, ચાલો; સ્વસ્થ રહો. હું શાંત છું.”

દેવાલયના પૂજારીએ કહ્યું: “એને કંઈ પૂછવાની જરૂર નથી. માતાની આજ્ઞા પ્રમાણે એ વર્તશે. બહેન, તારી ઇચ્છામાં આવે તેમ કરજે !” તુરત માતાના શરીરપરથી ફૂલના હાર કહાડી તેના ગળામાં નાંખ્યા; અને નાળિયેર વધેરી તેનું પાણી માતા આગળ ધરીને પાયું, તે વખતે સઘળા બ્રાહ્મણ અને ભક્તોએ “અંબે માતકી જે !” “જય મહાકાળી !” “જયદેવી ભવાની”નો ઘેાષ કીધો.

“મને લઈ જાઓ ! મને ઉઠાવો ! મને જવા દો ! પિતાજી જલદી મને લઈ જાઓ, હું મોઈ !” આમ બોલી તે પાછી જમીન પર તૂટી પડી.

“હવે જલદી એને ઘેર લઈ ચાલો. ગંગા, તું એની જોડે રહેજે ને એને સમાલજે. કોઈ જલદી પાલખીવાળાને બોલાવો તો. જલદી કરો, કોઈ દોડો. અરે ! કોણ જાણે એને શું થયું છે !!”

ગંગા આ બધું શું થાય છે તે સમજી શકી નહિ; પણ તેણે કમળાનું મન ભ્રમિત થયેલું ધાર્યું. તેણે માત્ર એટલું જ ઇચ્છ્યું કે, હવે જેમ જલદી ઘેર જવાય તેમ સારું. તે પાછી કમળાની પાસે બેઠી. એટલામાં પાલખી આવી ને તેમાં કમળાને સૂવાડી. સૌ ધીમે ધીમે એક સરઘસના આકારમાં મૌન ધારણ કરી પાલખી સાથે ચાલતાં થયાં. બ્રાહ્મણો, પોતાને દક્ષણા ન મળી, તેથી ઘણા ઉદાસ થઈ ગયા.