પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
કમળાના ઉભરો

શું ફળ થનાર છે? મારી માની જિદને વળગીને બાપાજીએ મારાં સાતમે વર્ષે લગ્ન કીધાં; અને હજી તો સપ્તપદી પણ થઈ નહોતી; તેટલામાં મારો પતિ દેવલોક થયો. પિતાજીને સૌએ ઘણાએ સમજાવ્યા કે, આ અડધું લગ્ન ફરીથી થઈ શકે તેમ છે, પણ પોતાની આબરુના રક્ષણ માટે, પોતાની લાડકવાઈ દીકરીને ભેાગમાં આપી છે. હશે, જેવી ઈશ્વરેચ્છા ! પણ એનો ઈલાજ નહિ થાય શું ? પણ એ દુ:ખ કરતાં મને માજી જે ભાંડે છે, તેથી મારો છૂટકો કરે તો ઘણું સારું. તમારાપર પણ માજી ક્યાં ઓછું રાખે છે !”

“હશે બહેન,” ગંગાએ વાત અટકાવવા માટે વચોવચથી કહ્યું; “સાસુજીનો સ્વભાવ પડ્યો. હોય, તે વડીલ છે. તે ચાહે તે બોલે, એ કહે છે ને હું સાંભળું છું. એ તો ઘરડાંના એવા સ્વભાવ હોય, તેમાં આપણાથી શું થાય ? તમારે આવી બાબતમાં ઝાઝી કાળજી રાખવી નહિ ને ઈશ્વરભજન કરી, જેમ ઈશ્વરેચ્છા હોય તેમ વર્તવું.”

“પણ ભાભી, એ તમારાથી સહન થાય, મારાથી તો નહિ થાય. ગઈ કાલે તુળજાભાભી સાથે લડ્યાં, તેનું કંઈ કારણ હતું વારુ ? મદન રડતો હતો, ને ભાભી કામમાં હતાં, તેમાં ગાળે ગાળે ધોઈ નાંખ્યાં. એ તે કુલીન ઘરની રીત ? જ્યારે માજી ગુસ્સે થાય છે ત્યારે આખા મોહલ્લો જાણે છે, પણ સારે નસીબે આપણા ઘરમાં ત્રણે વહુઓ છે તે સારાં કુળની છે ને તેથી ઘરની આબરુ રહે છે અને તેમાં તમે-”

“ચાલો હવે સવાર થવા આવી, તમે ઉંઘી જાઓ. હું હેઠળ જઇને પ્રાતઃકાળનું કામ કરી લઉં. હમણાં તમારા ભાઈ આવી પહોંચશે.”

પોતાની સ્તુતિ નહિ સાંભળવા અને ઘરનો ધંધો આટોપી લેવાને માટે ગંગાએ વચોવચથી વાત અટકાવી. તે ઓરડામાંથી તરત ચાલી ગઇ. કમળાને ગંગાની આ અતિ ઉત્તમ રીતિ જોઈને તેનાપર બહુ વાહલ ઉપજ્યું. તે પોતાની માતાને ઓછી ચાહતી નહોતી, પણ તેના અવગુણ તે સારી રીતે જાણતી હતી. મા તરફ દીકરીનું વાહલ