પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
કમળાના ઉભરા

કોઈને પણ જોવાથી સંતોષ ઉત્પન્ન કરે તેવો હતો. તેના પહેરવાના અલંકાર ઘણા સાદા હતા. તેનું બિછાનું સાદું છતાં નિર્મળ હતું. બિછાનું, ચાદર, મચ્છરદાની એ વગેરે ઓરડામાંનો સઘળો સામાન સ્વચ્છ ને ઝગઝગતો સાફ રહેતો હતો. જલપાત્ર, ટેબલ, ખુરસી, કબાટ, પુસ્તકો, આરસો, કાંસકી ને ધુપેલને પ્યાલો પણ એવો સાફ રહેતો કે, ઓરડામાં જતાં એક વાર ઘણો આનંદ થતો હતો.

પણ ગંગાની કેળવણીના આ ગુણો, તે બિચારીની નિંદાના કારણરૂપ થઇ પડ્યા હતા, ને પેલાં સદા વકરાયલાં સાસુજી એ જ માટે એને “મઢમ સાહેબ” “જાંગલી” વગેરે ઉપનામે બોલાવી ભાંડતાં હતાં. તેમાં વળી વધારે કારણ જેવું એ હતું કે, તે સારા પૈસાદાર માબાપની દીકરી હતી. પૈસાદારની દીકરી પોતાના દીકરાવેરે લાવવાની દરેક હિંદુ માબાપને હોંસ હોય છે, પણ તે લાવ્યા પછી બિચારી રાંકડી વહુને બહુ પજવવામાં આવે છે, “અમે કંઈ તારા માબાપનાં ઓશિયાળાં છીએ ?” “તે કંઈ અમારે ઘેર અનાજ પાણી નંખાવે છે ?” “લખાપતિની દીકરી આવી છે તે સાહેબી કરશે,” “બેગમ સાહેબ છે, તો રાજ ચલાવશે,” “ઉમરાવજાદી” ને “ધનપાળશાહ ગોડીની દીકરી” એવાં વાક્યો હસ્કે ને ટસ્કે કહીને શ્રીમંત ઘરની દીકરીને સાસુઓ પજવે છે. ભણેલી ગણેલી વહુ હોય છે તો સાસુ કહેશે કે “એ તો જાંગલણ થશે;” “એ તો નોકરી કરવા જશે,” વગેરે મહેણાં ટોંણાથી અડોસીપડોસીમાં નિંદા કરશે એટલું જ નહિ, પણ પોતાના વહાલામાં વહાલા - વખતે એકના એક દીકરાને પણ ન ઘટે તેવા શબ્દોથી વધાવી લેશે ! આ હિંદુ ઘરમાં બનતા સાધારણ બનાવ છે. ગંગાની સાસુ આવી જગદ્વિખ્યાત વાતથી ગંગાને હસ્કે ટસ્કે ભાંડે નહિ તો પછી થઈ જ ચૂક્યું, વાતમાં ને વાતમાં તેના પૈસાને, તેના ભણ્યાગણ્યાને ને તેની સ્વચ્છતાને તે વગેાવતી હતી.

ગંગા એ માટે એક પણ શબ્દ ઉંચે કે નીચે સ્વરે કદી બોલી નથી. બોલવાની કદી ઇચ્છાએ કરી નથી. તેણે નથી એ વાત