પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
ઉમરાવજાદાની દીકરી

ઉમંગથી દીકરા વહુ તરફ પ્રીતિ બતાવે છે, તે ઉમંગ ને પ્રીતિ પછાડીથી રહેતી નથી. દીકરો ને વહુ એકેક તરફ સારા પ્રેમથી વર્તે તો સાસુજીના પેટમાં કોયલી પડે. મા કરતાં વહુનો એક શબ્દ વધારે સાંભળે ને અજાણતાં મા તરફ વિવેકથી જોવાયું નહિ તો દીકરાની છાબડી, વહુ સાથે કાપી નાંખવાને મા ચૂકે નહિ. દીકરો વહુ પોતાના ઓરડામાં બેસી એકાંતમાં વાતે કરે તો “વહુને મુવો વશ થયો;” “રાંડે કંઈ મારા લાડવાયા દીકરાને કરી મૂક્યું,” એવા અપવાદને પામે. ભોગ ચોઘડીયે કંઈ સારા વસ્ત્રાલંકાર તે પોતાની પત્ની માટે લાવ્યો તો પછી ઘરમાં રણસંગ્રામ નહિ મચે તો ખરે તે હિંદુ કુટુંબ જ નહિ કહેવાય !! દરેક હિંદુ સ્ત્રી સાસુ તરીકે સિક્કો બેસાડવાને એટલી બધી તો આતુર હોય છે કે, વહુના હાથથી જમવાને નારાજ હોય છે; એટલું જ નહિ પણ વહુને રાંધવાના કામમાં જ્યાં સુધી પોતાના હાથ પગ ચાલે ત્યાં સધી મદદ પણ કરવા દેશે નહિ. તે સાફ નિર્લજ્જપણે કહેશે કે “વહુને ફૂલો દેખાડિયે, ચૂલો ના દેખાડિયે.” આવા જ્યાં રંગ હોય ત્યાં પછી સાસુની વહુ તરફ કે વહુની સાસુ તરફ અગાધ પ્રીતિ કેમ બંધાય ? ને સાથે દમ્પતીમાં પ્રેમ કેમ વહે ? અને સાંગોપાંગ ઘરસંસાર કેમ ચાલે ? મોહનચંદ્રનાં ધણીયાણી, દીકરાવહુ વચ્ચે પ્રીતિ થાય, તેવું જોવાને કદી રાજી હોય, એ માનવા યોગ્ય નથી. જો કે તે પોતાની દીકરીને ધણીપર સિક્કો બજાવતાં શીખવવામાં પક્કાં ઉસ્તાદ છે. તેમની દીકરી ને દીકરા માટેની તાલીમ જૂદી જ છે. પણ સારાં ભાગ્યે તેમના જેવા ગૃહસ્થાઈથી વિરુદ્ધ તેમનાં દીકરી ને દીકરાના વિચાર હતા નહિ. તેઓ મોઢે હા કહ્યાં કરે, પણ કામ તો પોતાને મનમાન્યું જ કરતાં. કિશેાર તેના ઓરડામાં એકલો બેઠેલો ને તે પણ વળી વિચારમાં, શેઠાણીએ જોયો એટલે તેણે જાણ્યું કે તે ગંગાને અહિયાં મળવાને બેઠો છે. ત્રણ વરસે આજે કિશેાર ઘેર આવ્યો છે, ત્યારે કદી તે ગુણવંતી ગંગાને મળવાને આતુર હોય તો તેને તક આપવી જોઈયે, પરંતુ હમણાં કિશેારના