પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
ઉમરાવજાદાની દીકરી

માને મળ્યો, નથી બાપને મળ્યો ને કલાકના કલાક થયા તારી સગલીને અહીં મળવા આવીને ભરાયો છે, તે આવી કે ?” અામ થોડા શબ્દોમાં પોતાનો ઉભરો સમાવી સારી પેઠે પ્રાતઃકાળની પુષ્પાંજલિ ત્રણ વરસે ઘેર આવેલા દીકરા૫ર શેઠાણીએ કીધી !

“માજી, બાપાજી ઉઠ્યા ?” જાણે પોતાની મા કંઈ બોલી જ નથી, તેવે ઠંડે સાદે કિશેારે સવાલ કીધો, “મેં ધાર્યું કે, પહેલાં કમળા બહેનને મળીને પછી પિતાજીને મળું. તમને તો હું કહીને આવ્યો છું. પિતાજી જાગ્યા હશે, ચાલો માજી દીવાનખાનામાં, હજી બહેનને જાગતાં વાર લાગશે.”

“તારા બાપ તો ઉઠશે જ તો, હવે બાપને મળવાને તૈયાર થયો છે, આટલી વાર તે યાદ સરખા પણ નથી આવ્યા. અમારા જીવ કેટલા તલ્પી રહ્યા હતા, પણ અમે તે કંઈ હિસાબમાં છીએ ? હવે તો મરીએ તો જ છૂટકો થાય. આ દુઃખ તો નહિ ખમાય, વહુઓએ તો અમારા કહાર પાડી મૂક્યા છે, પણ આ દીકરાઓ પણ તેવા થયા છે, એટલે પછી અમારા નસીબનો વાંક ! નથી મને કોઈ પૂછતું, નથી કોઈ ગાછતું. અમારા મૂઆ જીવતાંની પણ ખબર કોણ લે છે ? આટલીબધી વાર કઈ રાંડની મોકાણ માંડવા બેઠો હતો ?” હજી પણ આપણા મોહનચંદ્રનાં ધણીયાણીનો ગુસ્સો નરમ પડ્યો ન હતો.

“માજી! બહુ કૃપા થઈ, મેં શું ગુન્હો કીધો છે કે તમે સવારના પહોરમાં મને આમ કહો છો ?” ઘણી નમ્રતાથી, જાણ્યું કે હમણાં વધારે બેાલવાથી પાછું વધારે સળગશે, એમ ધારી ધીમે સાદે કિશેારે જવાબ દીધો, “તમારા તરફ મારાથી કંઈ અઘટિત થયું હોય તો-”

“ચૂપ રહે મૂવા ભાંડ-” જો લાંબાં લાંબાં ભાષણો કરીને મને મુઓ સમજાવવા આવ્યો છે ! કરપા મુઆ તારી મને નથી જોઈતી ને તારાથી મારે પેટે પથ્થર પડ્યો હોત તો ભલો, પણ આ તારી પેલી બેગમ સાહેબ મને આટલાં આટલાં વાનાં કહે ને વિધવિધનાં મહેણાં મારે, તે