પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ગંગા–ગુર્જર વાર્તા

મોહનચંદ્રે ડોળા ફેરવ્યા ને આ વખતે તેમનો ગુસ્સો એવો તો સખ્ત હતો કે, લલિતા શેઠાણીનો વાંસો, પાસે પડેલી લાકડી હાથમાં લેતા હતા તેથી બેવડ કરત. પણ તરત કિશેારે ઉઠીને મોહનચંદ્રને શાંત કીધા ને બીજા ઓરડામાં તેમને તેડી ગયો. હવે શેઠાણી ખૂબ ઉછળ્યાં, ને ગાળો દેવામાં કશી કચાસ રાખી નહિ. પાછાં સૌ એારડામાં વિખરાઈ ગયાં; ને લગભગ અડધો કલાક સુધી તે એકલી બખારી, પછી થોડીવારે ઉઠીને દીવાનખાનામાં ગઈ.

મોહનચંદ્ર ઘણો દિલગીર થયો, પણ પોતાનો સુપુત્ર પાસે હતો તેથી તે કંઈક શાંત થયો. પડશાળમાં જઈને બંને જણાએ દાતણપાણી કીધાં. પાછા બન્ને કમળા પાસે આવ્યા, ને તે વેળા કમળાની અાંખ તદ્દન ભીંજાઈ ગયેલી હતી. તે ડુસ્કે ડુસ્કે રડતી હતી. કિશોરે ઘણા અાગ્રહથી તેને પૂછ્યું, પણ કેટલોક વખત તે કંઈ બોલી નહિ, પણ જ્યારે ઘણા સમ ખાધા ને આગ્રહ ધર્યો ત્યારે, કહીશ, એમ જણાવ્યું.

વેણીલાલ, કિશોર ને મોહનચંદ્ર એ જ ઓરડામાં તે પછી વાતો કરવા લાગ્યા. બીજાં સૌ પણ કમળા બહેનની ખબર લેવાને નિમિત્ત ત્યાં આવી બેઠાં હતાં, ત્યાં જ ચાહ લાવવાનું કહેવાથી ગંગાએ તૈયાર કીધી હતી તે લાવી. પ્યાલાં ને રકાબી મૂક્યાં ને સાસુજીને બોલાવી લાવવા ગઈ. રોષ ઘણેાએ હતો, પણ આગલે દિવસે રાતના વાળું કીધું નહતું એટલે પેટમાં કકડીને લાગી હતી, તેથી ઉઠીને તેઓ આવ્યા. ઓરડામાં આવીને એક બાજુએ બેઠાં. તેમના ડોળા ખૂબ ઘુરકતા હતા. સઘળાં ચાહ પી રહ્યાં ને ગંગાએ પ્યાલા રકાબી ઉઠાવ્યાં, તેવામાં એક રકાબી હાથમાંથી છટકીને ભાંગી ગઈ !!

કજીયાદલાલ કર્કશા સાસુજીનું હવે પૂરતું ચઢી વાગ્યું ને લડવાને માટે જે બારી શોધતાં હતાં તે હાથ લાગી. તેઓ ખૂબ જોરમાં બોલી ઉઠ્યાં;

“આ તે કેમ ખમાય ? રોજ એકેક બબે પ્યાલા રકાબી ભાંગે ને વાસણો જાય તે કેમ ખમાય ?”