પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
ગંગા-ગુર્જર વાર્તા

ઘરેણાં પણ પહેરવાં જોઈએ ! પણ એક રાંડનો તો બાપ પૈસાદાર છે તે જેમ કરશે તેમ તેને પાલવશે, પણ આ રાંડ ભીખારડાની દીકરી પણ તેનું જોઈને શીખી છે. તે પણ હવે ગાટપીટ સાટપીટ શીખવા બેસે છે. કઈ દોલત૫ર ફાટી જાય છે તે તો જાણતી નથી. ભીખારીની દીકરીને બરો કેટલો છે?”

“તમારો બાપ ભીખારી હતો તે તમને યાદ આવતો હશે;” તુળજાગવરી બોલી ઉઠી, કેમ કે શેઠાણીએ છેલ્લા શબ્દો તેને માટે કહ્યા હતા. “ખબરદાર, મારા બાપનું નામ દીધું તો, તમારી વાત તમે જાણી. તે કંઈ તમારે બારણે ખાવાબાવા આવે છે ? તે તો તમારે બારણે અ-એ નહિ આવે ! જાણ્યું?”

“ધનપાળશાહની દીકરી ! તને જાણું છું, ભાગોળે બેસીને તારો બાપ ભીખ માગતો હતો, તે આજે વેપારી થઈ પડ્યો છે તેથી છકી ગઈ છે. મારા બાપ સુધી ગઈ, પણ તારી ઓલાદ તો સારું ગામ જાણે છે. અંગ્રેજી શીખીને પેલા જાંગલાએાને ત્યાં ભઠીયારું કરવા જા. મારા બાપને કહેતાં તને લાજ નથી આવતી કુભારજા !”

“જેટલી તમને તેટલી મને–” પણ તુળજાને તરત વધારે બોલતાં કિશોરે અટકાવી.

“મોટી ભાભી, બહુ રૂડું કરો છો ! ઠીક ઠીક.” આટલું તે બોલી નહિ રહ્યો, તેટલામાં તો સલજ્જ થઈ તુળજા, ગંગાની પછાડી ચાલી ગઈ. થોડા વખત મનમાં ને મનમાં ફુંગરાઈને લલિતા સાસુએ ખૂબ ગાળો દીધી, પણ અંતે થાકીને બળિયલ ચેહેરે હેઠળ ગઈ. દાદરેથી ઉતરતાં ઉતરતાં પણ તેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે, “માટીઓની હુંફપર ફાટી ગઈ છે, પણ હું ખરી કે એમનો બરો ભાંગું !! "ગંગાએ આ સાંભળ્યું ને તે ઘણી દિલગીર થઈ.