પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ગંગા–ગુર્જર વાર્તા

તારી ઓલાદ ને સાત પેઢીની વાત સારું શહેર જાણે છે. હવે તું કહે છે શું? મારે ખાવું હશે તે ખાઈશ. નહિ તો નહિ ખાઉં, પણ તું મને કહેનારી કોણ ?”

“તમને ભૂખ લાગે તો ખાઓ, નહિતર નહિ ખાએાની; મારી કયી બલાને, ભૂખ લાગશે ત્યારે એની મેળે ચૂલા પાસે જશો, કંઈ ચૂલો તમારી પાસે નથી આવવાનો. નહિ ખાશો તો તમારા હાથ પગ અટકશે. પણ છપ્પનવાર ના કહીને પછી જખ મારીને ખાવાને ગયાં તો હતાં.” વહુએ વહુવારુપણું બતાવ્યું.

“હું શાને માટે નહિ ખાઉં ? મારા ધણીનું છે તે ખાઈશ. લે હું તો ખાવા ચાલી; પણ જા તારા માટીનું જ તું ખાજે, મારા ઘરમાં ખાવા આવે તો તને તારા બાપના સમ છે.” શેઠાણી તો આમ બોલતાં જ કે ઉઠીને હેઠળ રસોડામાં ગયાં. ગંગા તેની પછાડી ગઇ, ને જતી વેળા તુળજા ભાભીનો હાથ ખેંચ્યો, પણ તેઓ છોડવીને પોતાના ઓરડામાં ચાલી ગયાં. ગંગાએ જાણ્યું કે, એમને સમજાવી શકાશે, પણ પેલા લડાઈના ગોધા સાસુજીને સમજાવવાં દોહેલાં છે; એટલે તરત તો તે તેની પછાડી ગઇ. કમળી પણ જમવાને ગઇ. ગંગા તથા કમળીને તુળજાગવરી જમવા નહિ આવી, તેથી ખાવું ભાવ્યું નહિ; તેથી સેજસાજ ખાધું ન ખાધું કરી ઉઠી ગયાં. લલિતાગવરીએ પેટ પૂર જમી લીધું ને બે દહાડાનો બરાબર ખંગ વાળ્યો.

ઘરકામ આટોપી લીધું, ને કમળા તથા ગંગાએ તુળજાગવરીને ઘણું સમજાવ્યું, પણ તેમણે નીચેથી ઉંચે જોયું નહિ. ઓસીકાપર માથું નાખીને તેઓ નવધાર આંસુએ રડ્યા કરતાં હતાં. એક પણ શબ્દ તેમણે સાંભળ્યો નહિ, ને ગંગા કમળાએ વિચાર્યું કે હમણાં બોલાવવાં એ વ્યર્થ છે, એમ જાણીને તે બન્ને છૂટી પડી. થોડા વખત સુધી લલિતા શેઠાણીએ ગંગાને પોતાની હુજુર ને હજુર રોકી રાખી, એટલા માટે કે ને પોતાના પતિને મળવાને દોડી જાય નહિ, પણ અકસ્માત તેઓ કોઈ બીજા કામમાં ગુંથાયાથી ગંગા છૂટી પડીને પોતાના ઓરડામાં ગઇ.