પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
વઢકણાં સાસુજી


ખરેખરા ઉમંગમાં આવીને ગંગાએ પોતાના ઓરડામાં પ્રવેશ કીધો. સંધ્યાકાળ થઇ હતી ને એારડામાં દીવાની ઘણી જરૂર જોઇ, પણ દીવો લેવા જતાં વળી પાછી સાસુજીના સપાટામાં સપડાય, તે ભીતિએ ત્યાં ને ત્યાંથી જ મીણબત્તી સળગાવી. કિશેાર ઈઝીચેરપર પડ્યો હતો. દૂર લજજાવંત રીતે ગુણવંતી ગંગા ઉભી રહી. તેના નેત્રમાં પ્રેમ ઝળકી રહ્યો હતો, ને પોતાના પતિના દર્શનથી સીતાને જેમ આનંદ વ્યાપ્યો હતો, તેમ ગંગાની રગેરગમાં આનંદ પ્રસરી રહ્યો. કિશેાર ને ગંગાનાં નેત્ર મળતાં જ પ્રેમભાવથી બંને હસ્યાં; સહજ લજજા પામ્યાં, ને હસતાં હસતાં ગંગાએ પોતાનું પ્રેમ વદન પાછું ફેરવ્યું. પ્રિયા પ્રિયતમ મળે તે વેળાએ આદરાતિથ્ય હોય નહિ, પણ આવી જ વિવેકી સંજ્ઞાઓ થાય છે. હર્ષિત વદને ઉભયનાં નેત્ર, એકમેકને અંતઃકરણથી ભેટ્યાં, અને તે ખરાં અંતઃકરણની ઉર્મીઓનું વર્ણન કાળિદાસ સરખા કવિ વગર કોણ કરી શકે વારુ ?

ઘણા પ્રેમથી સ્મિત હાસ્યવદન કર્યા પછી કિશોરે પોતાની પ્રાણપ્રિયાને, આજ ત્રણ વરસે જે પ્રેમ વછૂટે તે પ્રેમના આવેશમાં હાથ પકડી પાસે તેડી બીજી ખુરસી પર બેસાડી, અને પ્રેમના ઠપકામાં પોતાને જે લાગી આવ્યું, તે જણાવવા બેાલ્યો, “ત્રણ વર્ષે જ્યારે તારાં નિર્મળ પ્રેમ દર્શન કરવાને માટે હું આવ્યો ત્યારે તને તો ઘણો વિલંબ થયો ! પ્રિયે ! ઠીક, આજે આપણે બહુ લાંબે સમયે મળ્યાં છીએ, પણ જલદી તારાથી નહિ અવાયું?”

“વલ્લભ ! કારણ આપથી ક્યાં અજાણ્યું છે? આપનાં માતુશ્રી હોય ને પછી તમારી પાસે આવવું, એ તરવારની ધાર પર ચાલવા જેવું નથી ?” ગંગાએ પ્રેમથી ગળગળી જતાં કહ્યું, “સવારે આપને સહજ કારણસર કેટલું કરી મૂક્યું હતું ?”

“હશે, એ તો એમનો સ્વભાવ છે. સવારનો બનાવ તો હવે શાંત પડ્યો ના ? અને શું તે માટે તેઓ તમને અટકાવતાં હતાં?” કિશોરે પૂછ્યું.