પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩


પ્રકરણ ૭ મું
ગંગાની પતિપ્રત્યેની રીતભાત

બીજે દિવસે પ્રાતઃકાળમાં સૌ પોતપોતાના કામકાજમાં સજ્જ થયાં હતાં. કિશેારલાલે જલદી ઉઠીને દાતણ કરી લીધું, ને સુરત હાઈ સ્કૂલના હેડમાસ્તરને તે મળવા જવાનો હતો, માટે જલદીથી નહાવાનું પાણી તૈયાર રાખવા ગંગાને કહ્યું. ગંગા વહેલી ઉઠી આજ્ઞા પ્રમાણે પાણી કાઢી કિશેારને દીવાનખાનામાં કહેવા આવી. ત્યાં ગૃહિણી તથા મોહનચંદ્ર વગેરે વાતે વળગ્યાં હતાં. દીવાનખાનામાં આવી ગંગાએ નેત્રની સાનમાં પોતાના પ્રિયને સ્નાન સારુ આવવાને કહ્યું. હિંદુઓના ઘણા કઢંગા રિવાજ છે, તેમાં પતિને પત્ની કે પત્નીને પતિ, સસરા સાસુ દેખતાં બોલાવી શકતાં નથી. ઘણાં ઘરોમાં તો અતિ ત્રાસ હોય છે. માથે મોટો ઘૂંમટો તાણીને લાજ કહાડવામાં આવે છે. સુરતના લોકો આવી બાબતમાં ઘણે દરજ્જે સુધરેલા છે, ને તેઓ લજામણો ઘૂંમટો તાણતા નથી. તોપણ પોતાના ધણી કે ધણીયાણીને નામ દઈ બોલાવવાનો તો રિવાજ છે જ નહિ. જો બોલાવવામાં આવે તો તેને માટે એમ કહેવામાં આવે કે તેઓ 'વહી ગયાં છે' 'કોઈની આમન્યા રાખતાં નથી,' 'જરાએ લાજ-શરમ નથી,' એવાં વિવિધ જાતનાં દૂષણો આ૫વામાં આવે છે. એથી વિશેષ વળી કોઈ સ્ત્રી જો પોતાના પતિનું નામ દે તો તેનું આવરદા ટુંકું થાય, એ વહેમથી પણ સ્ત્રીઓ તેમ કરતી અટકે છે. પ્રથમથી જ આ રિવાજ ચાલુ હોવાથી મોટાથી ઘરડા થાય છે ત્યાંસુધી 'અલી,' 'મેકુ,' 'સાંભળેછ કે,' અથવા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેનું નામ દઈ બોલાવે છે.

ગંગા કિશેારને આ રીત ગમતી તો નહિ, પણ વિવેકચતુર હોવાથી એવી બાબતમાં ઘણાં સાવધ રહેતાં હતાં. ગંગાએ સાન કીધી તે જોઈને કિશેારે ઉઠવાની તૈયારી કરી. પેલાં કંકાશિયાં લડકણાં લલિતા સાસુજીએ પણ તે સાન જોઈ અને તેમના મનમાં ઘણો બળાપો થયો,