પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ગંગા–ગુર્જર વાર્તા

અર્ધાંગનાને પૂરા પ્રેમથી ચાહતો હતો. ગંગા સ્વામીની સેવામાં ચતુર હતી, ને આજકાલની, અધૂરા જ્ઞાનની છોકરીઓ અને સ્ત્રીઓ ધણી પાસે છુટા૫ણું તથા બીજા ઉછાંછળા હકો માગે છે, તથા ઘરસંસાર ચલાવવાનાં, અન્યોન્ય પ્રેમ વધે તેવાં સાધનોથી કમનસીબ હોય છે ત્યારે ગંગા જ્ઞાન સાથે પ્રેમ, સ્વતંત્રતા સાથે સુખ આપવામાં બહુ વિવેકચતુર હતી. તે ધણી સાથે સાસુ સસરાને પણ પૂર્ણ પ્રેમથી ચાહતી, અને પોતાની મનોવૃત્તિને ઘણી સ્વાધીન રાખતી હતી. એ બધા દોષ હોય તો અમારી નાયિકા ગંગા પ્રત્યેની તેની સાસુની વર્તણુકનો યત્કિંચિત્ પણ બચાવ થાય; પણ હિંદુ સાસુ, સોમાં પોણોસો સર્પણીનું કામ કરે છે.

દશ વાગ્યા ને જમવાને વાર તો જરાએ નહોતી, પણ સાસુજીએ સિક્કો બજાવવા બૂમ મારી કે, “હજી કેટલી વાર થશે ? બાપરે ! હવે તો ખાવાને માટે મોડું થવાનું, ને ભૂખે મરવાનો વખત આવ્યો છે. એ તે કેમ ખમાય ?”

“કંઈ જ વાર નથી સાસુજી,” ગંગાએ જણાવ્યું, “તમે ચાલશો ?” “હજી સૌએ તો ખાધું નથી, તે મને કયાં ઓરવાને કહાડે છે. ભાતનાં ક્યાં ઠેકાણાં છે ? શાક પણ ક્યાં થયું છે ? શું મને દુકાળવી ધારી જેવું તેવું નાંખવાની છે કે ?”

“સાસુજી સધળું થયું છે. હવે ખેાટી કંઈ જ નથી.” ગંગાએ જણાવ્યું.

“ખેાટી કોઈની નથી તો મારી ક્યાં ખોટી છે ? તમારા સસરાજી ને વેણીઓ જમ્યા ?”

“સસરાજી જમ્યા છે,” ગંગાએ અતિ નમ્રતાથી કહ્યું, “તેઓ તો જમીને ક્યારના ગયા છે, ને દિયરજી પણ જમીને ગયા છે.”

“બહુ સારું?” કરડાકીમાં લલિતા ગૃહિણી બોલ્યાં, “પણ હજી કિશેાર ક્યાં જમ્યો છે ? તેને કેમ યાદ નથી કરતી ? તેને માળેથી બોલાવ.” પેચમાં સાસુજીએ કહ્યું.