પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
ગંગાની પતિપ્રત્યેની રીતભાત


“સવારના પહોરના તેઓ ચાહ પીતાકને પોતાને કામે ગયા છે, ને બપોરના બે વાગતાં સુધી આવવાના નથી, માટે તમે સૌ જમી લેજો એમ મને કહ્યું હતું.” ગંગાએ ખુલાસો કીધો.

લલિતાગવરીને હવે બહુ વસમું લાગ્યું. પોતાનો દીકરો પોતાને આ સંબંધી કંઈ કહી ગયો નહિ, ને આ આજકાલની આણેલીઓને સઘળી વાત કહે, તેથી તેઓ ખીજવાયાં. બીજો બોલવાને માટે ઉપાય નહોતો, તેથી ગંગા પ્રત્યે તેઓ બોલ્યાં: “ત્યારે ચાલ આપણે સૌ બેસી જઇયે.”

ગંગાએ કહ્યું, “તેઓના આવ્યા પછી જમીશ.”

હવે સાસુજીને પૂરતી ચીડ ચઢી.

“એટલે ? અમે ગાંડાં ને તું ડાહી; તું તારો માટી આવ્યા પછી જમશે, ને અમે પહેલાં ખાઈયે ? કિશેાર તો પોતાને કામે ગયો છે તે ગમે ત્યારે આવશે, ત્યાં સુધી સૌ ભૂખ્યાં બેસી રહેશે કે ? આજ કાલ તો માટી આવ્યો છે, માટે તેના પૂઠે ખાવા શીખી છે; પણ અમારાથી તને મૂકીને ક્યમ ખવાય? માટે ચાલ સૌ સાથે જમિયે.” સાસુજીએ સઘળું મરડાટમાં કહ્યું.

“સાસુજી, તમે તમારે બેસી જાઓની; મારે માટે ખેાટી થવાની તમારે શી જરૂર છે ? મારાં પહેલાં તમે ક્યાં નથી જમતાં કે આજે મારી સાથે જમવાની હઠ લો છો ? મોટી બહેનના ભાઈ આવ્યા પછી હું જમીશ; હમણાં હું જમનારી નથી.” ગંગાએ ઉત્તર દીધો.

“તું શું મારી ઉપરી કે, ને મારું કહ્યું નહિ માને કે ? વાહરે વાહ ! આજકાલની ટેચકીઓ તો સ્વામીનાથોના પગ ધોઈને પીતાં શીખી છે. પણ એ બધા બહારના ઢોંગ જવા દે, તારો માટી ખરો ને અમારો દીકરો નહિ? એટલે તું ભૂખી રહે ને હું ખાઉં તો પછી મારા ભાંડણ ટુંપણ કરવામાં તું શું કામ કમીના રાખે ? તારા ઢોંગ હું બધા જાણું છું, અને માટીજીને બતાવવા માગે છે કે, તમારા વગર