પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
ગંગા–ગુર્જર વાર્તા

હું ખાતી પણ નથી, પણ પેલી નાચણના જેવા વેશ તારે શા કરવા? સીધી સીધી જમીલે, ને ચાળાચશ્કા મૂકી દે.”પણ સાસુજીનું કહેણ ગંગાને કંઈ ગમ્યું નહિ ને ગમે તેવું પણ નહોતું. આટલું કહ્યા છતાં પણ પોતાનો આ અનાદર થયો જાણી હવે લડકણાંબાઈ ખૂબ ઉછળ્યાં, “કેમ બહેરી બહેરી થઈ ગઈ કે શું ? આ હું તે જાણે ભસી જતી હોઉં તેમ કાન પર જ ધરતી નથી. હવે તમારા માટીઓ સારી રીતે જાણે છે કે, તમે તેમનાપર ફિદા ફિદા છો ! હવે મને વધારે બોલાવો નહિ. રાંડો રે ! હું જાણું છું કે તમારા ધણીજીપર તમારું કેટલું હેત છે તે. આજકાલની સુધારાવાળીઓ રાંડો બહારનો દેખાવ કરતાં બહુ શીખી છે. ધણીને મોઢે જાણે તે ને તેજ, પણ બહાર રાંડોના કાળાં ધોળાં કંઈ ઓછાં નથી હતાં. રાંડો, હ્યાંથી ત્યાં ને ત્યાંથી હ્યાં ભટક્યા કરે છે, ને જીભડીનો સ્વાદ ચાખવામાં જરા પણ વિચારતી નથી, ને આજે સ્વામીજીને નહવડાવવા, સાબુ ચોળવા ને માથે ધુપેલ તેલ ઘાલી 'સેકન' કરતાં શીખી છે. આટલા દિવસ તારો માટી નહોતો ત્યારે કેમ ભૂખી રહી નહિ ! આજે ભૂખ્યા રહેવાનું ક્યાંથી સૂઝ્યું ? પણ આ ગરીબડી સાસુએ કહ્યું તે મનાય કેમ ? ને જમી લે તો માટીઓ જાણે કેમ, કે અમારી બૈરી અમારાપર આટલો બધો પ્રેમ રાખે છે ! પણ રાંડો રે ! એવા ઢોંગ થોડા કરો, એ બધા ચાળા ને ચશકા આ આત્મારામ ભૂખણના ઘરમાં ચાલશે, પણ બીજે ઠેકાણે ચાલવાના નથી. પેલી તુળજા વીશ લખણીને એ સૂઝે, તને નહિ પાલવે, ચાલ, તે તો નીકળી જશે, તારે પણ જવું છે ?”

“સાસુજી, કૃપા કરી માફ કરો, હું હમણાં નથી જમવાની.” કજીયો ન થાય તે માટે નમ્રપણે ગંગાએ કહ્યું.

“એટલે તું તારા મનમાં શું સમજે છે? ચાલ જમવું પડશે.” સાસુજીએ સિક્કો બેસાડ્યો.

એટલામાં તુળજાગવરી પણ આવી પહોંચ્યાં, તેને જોઈને સાસુજીને વધારે શૂર છુટ્યું. પોતાના મનમાં બડબડવા માંડ્યું કે જો ગંગાએ