પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧


પ્રકરણ ૮ મું
લગ્નસરા

વૈશાખ મહિનો લગ્નસરાનો હતો. મોહનચંદ્રના એક નજીકના સગામાં લગ્ન હતાં, ને ત્યાં જવાને માટે સઘળાં તૈયાર થયાં. આજનો દિવસ સૌને આનંદનો હતો, તેથી સવારના પહોરમાં સૌ કામ કરી રહ્યાં ને પોતાના સગાને ત્યાં જવાને તૈયાર થયાં. લગ્નસરાનો બહાર ઘણું કરીને સુરત શહેરમાં જેવો હોય છે તેવો બીજે ઠેકાણે ભાગ્યે જ જોવામાં આવે છે. નાગર, બ્રાહ્મણ, વાણિયા, કાયસ્થ ને બીજી હિંદુની જ્ઞાતિમાં એ વેળાનો ભભકો પુષ્કળ હોય છે. બૈરાંઓ ભાતભાતના વસ્ત્રાલંકાર સજીને નીકળે છે. ઉનાળો હોય તો સાળુઓની શોભા ખૂબ દીપી નીકળે છે. શિયાળામાં સાડીઓ વધારે પહેરવામાં આવે છે. આ ઉનાળાનો સમય હતો તેથી જ્યાં ને ત્યાં પોપટિયા, ગુલાબી અને બીજા રંગરંગના સાળુઓ પહેરીને સ્ત્રીઓનાં ટોળેટોળાં ફરતાં જોવામાં આવતાં હતાં. ચોળી ને કંચુકી પણ ભાતભાતની હતી, ને અલંકારો પણ નવીન નવીન જાતના પહેરેલા જણાતા હતા. કોઈ સહજસાજ ઘરેણાં પહેરે છે તો કોઈ ખીચોખીચ ખડકીને પહેરે છે. કોઈની ડોકમાં માત્ર છેડો જ હોય છે, તો કોઈ મોહનમાળા જ પહેરે છે. હાથમાં ઘણું કરીને રાજાવરકની બંગડીઓનો શોખ ઘણો હેાય છે, ને તેની વચ્ચે સોનાની કે મોતીની બંગડી ને રાયફુલ હોય છે. સાધારણ રિવાજ પ્રમાણે બે કાચની બંગડી ને બે સોનાની કે મોતીની બંગડી પહેરે છે. અગાડીના ભાગમાં મોતીનું ઘરેણું હોય તો મોતીનાં કલ્લાં, ને સોનાનું ઘરેણું હોય છે તો સોનાનાં કલ્લાં, સિંધિયાસાહી સાંકળાં કે ગજરા પેહેરવામાં આવે છે. અાંગળાંપર એકાદ હીરાની વીંટી પહેરે છે, ને જો જરા વિચારવંત સ્ત્રી હોય તો વાંકબાક પહેરતી નથી, પણ ચોળીની નીચે ઘુઘરી કે માત્ર જરદોસી મોહોળિયું જ પહેરે છે. કુલીન સ્ત્રી કંચુકી પહેરતી નથી, પણ ઘણું કરીને ચોળી પહેરે છે, ચોટલો ચાંદલે