પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ગંગા-ગુર્જર વાર્તા

વખાણ કરતાં હતાં. ગંગાને મોઢે જ તેનાં વખાણની વાતો કેટલીક સ્ત્રીઓ કરતી ને તેની કલાંઠ સાસુને ગાળો દેતી. પણ વખાણ કે નિંદા સાંભળવાને માટે તેના કાન ન હોતા, તેથી જ્યારે એવી વાતો નીકળતી કે તે ગમે તેમ વાતનું સ્વરૂપ ફેરવી નાખતી. વાતો કરતાં સૌ ઘેર આવ્યાં. એ સગાને ત્યાં આજે જમવાનું હતું. સઘળાં સગાંવહાલાં ઘરધણિયાણીને મદદ કરવાને બદલે વાતોના તડાકા મારતાં, પણ એક સળી ભાંગીને કટકા કરતાં નહિ. ઘરધણિયાણીએ આવીને લલિતા શેઠાણીને કહ્યું, “બેહેન, આ તગારો તે ક્યાંસુધી ખેંચાશે ? જોની મારી ત્રણ વહુઓ તો શેઠાણી થઈ બેઠી છે ને કામ જાણ્યા છતાં ઓરડે ભરાઈ બેઠી છે. તમારી વહુઓ જરા મદદ કરે તો રસોઈ જલદી તૈયાર થઈ જાય. સઘળું તો તૈયાર થયું છે, પણ માત્ર શીરો કરવાનો છે તે સારુ બે માણસ જોઈયે.” લલિતાએ કહ્યું, “હારે બેહેન ! નઠારાં માણસ મળે તો તેાબા પરમેશ્વર ! મારીએ ક્યાં ઓછી છે, તારી વહુઓના મોંમાં થુંકે તેવી છે. મોટી વહુ તો હરામનું ખાનારી છે, ને નાનીમાં તો કશી આવડત જ નથી. પેલાં અમારાં ગંગા શેઠાણીની તો વાત જ ન બોલશે. તે તો બેગમ સાહેબ છે એટલે કામ જ શેનાં કરે ! હું કહું તો મને કાચીને કાચી કરડી ખાય.”

નંદગવરી ઘણી શાણી હતી, પણ ઘરડા માણસમાં જે ટેવ હોય છે, તેવી ટેવથી તે કમનસીબ ન હોતી. તેથી, “હા બા, એ આજકાલની વહુઓ એવી જ કમજાત હોય છે,” એમ ટાપસી પૂરી. તોપણ જેમ લલિતાએ વગોણું કીધું તેમ માન્યું નહિ, પણ ઉલટું શેઠાણીની કઢંગી રીત, અવિવેકી ચાલ તથા કુટુંબ સાથે વર્તવાની રીત માટે વાંધો કહાડ્યો; ને તેમ માનવાને તરત જ કારણ મળ્યું. નંદગવરીના મોંપર જે ચિંતા ફરી વળી હતી તે ગંગા તરત પામી ગઈ; તેથી પોતાની જગ્યાએથી ઉઠી ને તરત નંદગવરી પાસે ગઈ અને તેમને કારણ પૂછ્યું; ને જેવું ચિન્તાનું કારણ જણાયું કે લૂગડું બદલી કામે વળગી ગઈ.