પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
અજાણ્યો પરોણો


“એ સૌ ખરું, તથાપિ ન્યાત તરફની આશા ફોકટ છે. પણ જો કમળીની ઇચ્છા હોય તો મારા વિચાર પ્રમાણે તેને હું સધળી મદદ કરી શકું. પછી સુખ મળો કે દુ:ખ, તેની મને કશી દરકાર નથી. પરંતુ કમળી બેહેનની જ કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી એમ મારા જાણવામાં છે.”

“પણ તે બાપડીના મનમાં શું છે તે તમારા જાણવામાં શી રીતે આવે ? તે કંઈ બોલી શકતી નથી.”

“એ તમારું કહેવું ખરું છે, પણ મેં તપાસ કરવામાં બાકી રાખી નથી. કેમકે એના વરનું મૃત્યુ થયું તે પહેલાં એનું પૂરેપૂરું લગ્ન થયેલું નથી. શાસ્ત્રવિધિ પ્રમાણે મંગળ ફેરા ફર્યા નહિ હોય તો તે લગ્ન જ નથી, તેથી ફરી લગ્નની વાત એક વેળાએ પિતાજીએ કરી હતી; પણ કમળીએ કહ્યું કે એક ભવમાં બે ભવ નહિ કરું.”

વાત એટલેથી જ બંધ પડી, પણ મોતીલાલને હવે વધારે ઉમંગ આવ્યો. કેમકે તેણે પોતાના મિત્રના સઘળા વિચાર આટલાથી જાણી લીધા. હવે કમળીની શી ઇચ્છા છે તે જાણવાને માટે મેહેનત કરવા ધાર્યું. હિંદુ લોકોના દરેકે દરેક ઘરમાં સ્ત્રીઓ સાથે વાતચીત કરવાની છૂટ હોતી નથી. સામાન્ય રીતે વહુવારુપર તો ઘણો જ અંકુશ રાખવામાં આવે છે. પણ દીકરીઓ સાથે ભાઈ બેહેન તરીકે વાતચીત થઈ શકે છે. તથાપિ તે છૂટનો લાભ બરાબર રીતે તરત ને તરત લઈ શકાતો નથી. કમળીના વિચાર આવી બાબતમાં શા છે તે જાણવાને માટે મોતીલાલે પત્ર વ્યવહાર ચલાવવો પહેલે ધાર્યો, પણ તે જોખમ ભરેલા કામથી એણે હાથ ઉઠાવતાં મોઢામોઢ વાતચીત કરવી, એને વધારે દુરુસ્ત લાગી. ચાર પાંચ દિવસમાં ઘરમાં રહીને પળોટાયાથી મોતીલાલની ભીડ ભાંગી ગઈ ને તે જેવો એક કુટુંબનો માણસ હોય તેમ ભેળાઈ ગયો. સૌ તેની સાથે મન મૂકીને વાત કરતાં હતાં.