પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ગંગા–ગુર્જર વાર્તા


જેઠ માસની એક સંધ્યાકાળે પોતાના ઘરની પાછલી બારીએ કમળી બેસીને કંઈ ઉંડો નિ:શ્વાસ મૂકતી હતી. તેના પગ નીચે રસાળ ને ફૂલફળાદિથી ખીલી રહેલી વાડી આવી રહી હતી, ને જો કે ઉનાળાનો સખ્ત તાપ હતો, તેટલું છતાં આ બગીચાનાં ઝાડો સારી રીતે મનને આનંદ આપતાં હતાં. ચંદ્રનાં કિરણ સાદાં પીળચટાં પ્રસરી રહ્યાં હતાં; ને ચંદ્ર આ વિધવાનું મુખડું વધારે સારી રીતે ઝળકાવવાને તેના મોંપર જ પોતાનાં શીતળ કિરણો ફેંકતો હોયની એમ જણાતું હતું. આ વેળાનું તેનું સ્વરૂપ જ એાર તરેહનું દેખાતું હતું. ચોપાસે શાંત હતું, ને ઘરનાં સઘળાં એક મિત્રને ત્યાં મળવા ગયાં હતાં. પોતાની ખુશીથી જ કમળી ઘરમાં એકલી રહી હતી. દૂર વિશાળ ચોગાન હતું, ને ત્યાંથી દૂર અંબાભવાનીના દેવાલયનાં શિખરોના કળશ ઝળકાટ મારતા હતા. બીજી બાજૂએ બાલાજીના દેવળના કળશો સામા કિરણો ફેંકતા હતા. આ ચિત્ર વિચિત્ર અને અતિ મનોહર દેખાવ, જોનાર માણસની છાતીમાં આનંદનો પ્રવાહ ચલાવતો હતો. પણ બિચારી કમળીના મનમાં તેથી વિશેષ બળાપો થતો હતો. તે સુકોમળ, સફેદ ચામડીવાળી, સીધી પાતળી કમરની, નિતંબ પણ જરાક ભારે અને દેખાવડી હતી; નેત્રો હરણી જેવાં ચળકતાં હતાં; છાતી ભરાઉ ને કેશ છૂટા મસ્તકપર વિખરાયલા હતા. આ વેળાએ પોતાના દુ:ખ માટે કમળી મનમાં કંઈક સહજ બબડી. આ દુનિયામાં કાંઈ નથી એમ તેના મનમાં આવ્યું ને તે અકસ્માત બોલી ઉઠી કે, “જેનો સ્વામી દેવલોક સિધાર્યો તેના કરતાં તે જાતે જ યમલોક પ્રત્યે ગઈ હોય તો કેવું સારું? હાય ! હાય ! મારા પ્રિયતમ પ્રાણનાથ, તમે માત્ર હાથ ઝાલીને મારો અવતાર બાળી નાખ્યો, ને આ ખરી યુવાવસ્થામાં મુજ સમાન રાંકડીને બળી મરવાનો સમય આવ્યો છે. રે સતી-પતિવ્રતા ને સતી થવાના દિન ક્યાં ગયા ?” આટલું તેના મનમાંથી બહાર નીકળ્યું તે જાણે કોઈએ સાંભળ્યું હોય તેમ તેને લાગ્યું અને તે જ ક્ષણે એ ઓરડામાં મોતીલાલ