પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
અજાણ્યો પરોણો

આવ્યો — જો કે તેણે આમાંનું કંઈ જ સાંભળ્યું નહતું. તેનાં પગલાં સાંભળીને ગભરાયલે ચહેરે સલજ્જ, સભય કમળી ખુરશીપરથી પગ ખસેડી, બારીમાંથી ડોકું ખેંચી લઈ માથે લૂગડું ઓઢતી ફરીને ઉભી થઇ.

“બેહેન,” મોતીલાલે અતિ ઘણા નિર્દોષ પ્રેમથી કહ્યું, “આજે તમારી તબીયત સારી નથી શું ?” જો કે, કમળી સલજ્જ, સભય ને સકંપ થઇ હતી, તથાપિ આ વેળાએ તેના મનમાં વિચાર આવ્યો કે પોતાના દુ:ખની વાત કોઇએ સાંભળી હશે; ને તેથી ઘણી ગભરાટમાં પડી હતી. મોતીલાલ સાથે ઘણો બોલવાનો પ્રસંગ આ પંદર દિવસમાં પડી ગયો હતો; ને તેણે પોતે ઘણી વેળાએ તેને પોતાના ભાઇ સાથે કેટલીક વાતચીત કરતો સાંભળ્યો હતો, કે જે વાતચીત તેના પોતાના જ લાભની હતી. વળી એ કુલીન તથા આબરૂદાર ખાનદાનનો અતિ ઘણો વિવેકી તથા શાણો હતો, એમ તેની ખાત્રી થઇ હતી. તો પણ પોતાની વાત કંઈ પણ એ જાણે તો ઠીક નહિ, એમ એને પોતાના મનમાં લાગ્યું. બંને ઉભાં રહ્યાં, તેમાં મોતીલાલને વધારે ભારે થઈ પડ્યું.. પણ પછી ઘાડી છાતીથી ફરીથી પૂછ્યું: “બેહેન, જો તમને અડચણ ન હોય તો હું કેટલીક વાત પૂછવા માગું છું. થોડી મિનિટ થોભશો ?”

“શા માટે નહિ, તમો આગળ થોભવામાં શી અડચણ છે ભાઇ ?”

“હું તમારો વિચાર જાણવા ઇચ્છું છું. તમારો અભિપ્રાય માગું છું.”

“મારો વિચાર !” તે બોલી ઉઠી, “હું તે કોણ કે તમે મારો વિચાર ને સલાહ લેવાનો ઇરાદો રાખો છો ?”

“અલબતાં તમારો વિચાર ને સલાહ લેવાની મને જરૂર છે. હું નથી ધારતો કે એ બાબતમાં તમારા કરતાં કોઇ બીજાની સલાહ વધારે જરૂરની હોય. આજ કેટલા દિવસ થયાં તમારી કરુણાજનક કહાણી મેં જાણી છે. વારુ તમે, તમારા પિતા ને ભાઈ ભાંડુની આજ્ઞા પ્રમાણે વર્તીને સુખી થાઓ તેવી રીતે વર્તવાને તૈયાર છો કે નહિ બેહેન ?”