પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
અજાણ્યો પરેાણો

નહિ જોતાં હો તેમ નથી, પણ વિચાર શક્તિની ખામી છે. તમારા માટે તમારા પ્યારા ભાઈ તથા બાપને કેટલું દુ:ખ લાગે છે તે તમે જાણો છો ? ગઈ કાલે રાત્રિના તમારા ભાઇની આંખમાંથી જે આંસુ વહ્યાં હતાં તેનાં જો તમે સાક્ષી હોત તો આ પ્રમાણે 'ના' કહેત નહિ. તેમને પોતાની આબરૂ, કુટુંબનું ગૌરવ તથા દરજ્જો સાચવવાનાં છે, એટલે તમારાથી વધારે ફિકર તેમને છે, પણ જ્યારે તમે ના કહેશો ત્યારે તેઓ નાચાર થશે. તેમની દિલગીરી ને લાગણીને માટે તમને કાળજી નથી ? કમળી બેહેન ! તમે વિચાર કરો, હજી તમે ના પાડો છો ?” એટલામાં મોતીલાલની આંખમાંથી ડબક ડબક આંસુ વહ્યાં.

“ભાઇ, હું ઘણી દિલગીર છું કે તમે મારા માટે આટલી બધી કાળજી રાખો છો ! મેં મારા નસીબપર જ વિશ્વાસ રાખ્યો છે, તેની ઇચ્છામાં આવે તે કરે. હજી મેં તમે કહો છો તેપર કશો વિચાર જ કીધો નથી, પણ શાસ્ત્રાજ્ઞા શી છે તે તપાસી, મારો ધર્મ અવશ્ય સચવાવો જોઇયે.”

“કમળી બેહેન તે માટે બેફિકર રહેજો.”

“પણ હજી મેં વિચાર નથી કીધો, તેથી હમણાં તો એ વિચાર બંધ રાખો.”

“જેમ તમારી મરજી, પણ અમે હવે બે ચાર દિવસમાં મુંબઈ જઇશું, માટે આ સઘળી વાત સંબંધી શો વિચાર છે તે તમે નક્કી કરી મને પત્ર લખી જણાવજો. પણ ખૂબ વિચાર કરજો.”

તરત મોતીલાલ કિશેારની પાસે ગયો, કે જે આ વાતનો શો નિવેડો લાવે છે તે જાણવાને આતુર હતો. સઘળી હકીકત તેને જણાવવામાં આવી ને તેના મનમાં આશાનો કાંઇક ઉદય થયો.