પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ગંગા–ગુર્જર વાર્તા

તમારા મોટા ભાઈનો શો વિચાર છે તે મને જાણવાની તક મળશે તો ઘણું સારું થશે. તમારા મોટા ભાઈ એ બાબતમાં ઘણા સમજુ છે, ને મોતીલાલે કંઈ પણ વાત કરેલી તેમાં તેની સંતલશ હશે, પણ કંઈ આગળ પડીને કરવા ચાહે છે કે બેઠા બેઠા કરવાનો વિચાર રાખે છે તે જાણવું વધારે જરૂરનું છે. તમારી બાબતમાં મારા વિચાર કંઈક જૂદા છે!” ગંગાએ જણાવ્યું.

“અને તે શું ?” કમળીએ પૂછ્યું.

“બીજે પ્રસંગે જણાવીશ.” ગંગાએ ઉત્તર દીધો, કેમકે તેમણે ઘરના ઉમરાપર પગ મૂક્યો હતો, ને બનેને એમ લાગ્યું કે લલિતા શેઠાણી જાગે છે.

બન્ને છૂટી પડી ધીમે ધીમે કંઈ પણ અવાજ કર્યા વગર પોતપોતાના શયનગૃહમાં ગઈ. લલિતા શેઠાણી જાગતાં હતાં, પણ સારે નસીબે કંઈ પણ કચાટ કીધી નહિ, ને તે રાત શાંતિથી વીતી ગઈ. બીજે દિવસે રાત્રિના કિશેાર ને મોતીલાલ મુંબઈ જવાના હતા. ગંગાએ પોતાના પતિ માટેનાં સઘળાં વસ્ત્ર ને પેટીઓ તથા પુસ્તકો તૈયાર કીધાં. રાત્રિના કિશેાર પોતાના એક મિત્રને ત્યાં મળવા ગયો હતો, ને ત્યાંથી આવતાં ઘણી રાત વીતી જવાથી ઘેર આવતાં વેંત જ પોતાના શયનગૃહમાં સૂવા ગયો.

હજી સુધી ગંગા જાગતી હતી. દીવા પાસે “મુક્તામાળા”નું પુસ્તક પડ્યું હતું. એ પુસ્તકનાં ત્રણેક પ્રકરણ વાંચ્યા પછી કંટાળો આવ્યો, ને તેને પડતું મૂક્યું અને કિશોરના પગની સપાટ ભરવા માંડી. આ સપાટ કિશોર મુંબઈ લઈ જનાર હતો, માટે બીજી સાંઝ સૂધીમાં તૈયાર કરવાની હતી. ભરત ભરવામાં ગંગા ઘણી ચપળ હતી, ને તે વળી સૌથી વધારે સફાઈ સાથે ભરી શકતી હતી. તેના જેવું સરસ ભરત ઘણી થોડીજ પારસી સ્ત્રીઓ પણ ભરી શકતી ને સૂરતની નિશાળમાં તેના ભરતના નમુના હજી પણ ઈનામના મેળાવડા વખતે મૂકવામાં આવતા હતા;