પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
કમળીના વિચાર

જરાપણ દરકાર નહોતી. પણ આ બધા દુઃખમાં દિલાસા જોગ તો એ જ હતું કે ગંગા જ્યારે ને ત્યારે સૌની ચિંતા દૂર કરતી. છેલ્લી ફી ઘરમાંથી આપવામાં નહિ આવી, ત્યારે કિશેાર ઘણો ચિંતામાં પડ્યો. પરંતુ તે ચિન્તા ગંગાએ ક્ષણમાં દૂર કીધી. ગંગાનો પિતા હંમેશાં દર માસે પોતાની પુત્રીને વાપરવાને પચીશ ત્રીશ રૂપિયા મોકલતો હતો. આ બધા પૈસા કંઈ લૂગડાં કે ઘરેણાં કે ખોટા ઠાઠમાઠમાં ગંગાએ વાપરી નહોતા નાખ્યા, પણ એકઠા કીધા હતા. જ્યારે કિશેારની ફી માટે ચિંતા પડી ત્યારે પેાતાની પાસે આશરે બે હજાર રૂપિયા એકઠા થયા હતા; તે સઘળાની સેવિંગ બેંકની ચોપડી કિશોરને મોકલી આપી ને જણાવ્યું કે, એ પૈસા તમારા જ છે, મારા છે એમ જાણજો માં. કિશેારની છાતી, આ પ્રેમભાવથી ફૂલી ગઈ. પણ આમ તે ક્યાં સુધી ચાલશે એમ મનમાં વિચાર્યું. ઘણા પત્ર આવ્યા પછી પોતાને જોઇતા હતા તેટલા પૈસા કિશેારે લીધા; તથાપિ મનમાં વિચાર સીધો કે હવે એ પૈસામાંથી એક પૈ પણ નહિ વપરાય તો બહુ સારું. જો કે ગંગાને કિશેાર તરફ લેશ પણ પ્રેમ ઓછો નહોતો, તથાપિ કિશોરને આવી રીતના પૈસા લેવા ગમતા નહિ, ને તેથી ગમે તે થાય તોપણ આ વેળાની પરીક્ષામાં ફત્તેહ મળે તો ઠીક, એમ ધારીને તેણે એટલો બધો શ્રમ કીધો કે તેને પરીક્ષાના પાછલા દહાડામાં જરાક દમની અસર માલમ પડી.

પરીક્ષાના દિવસ નજીક આવ્યા તોપણ જરાએ તેણે વીસામો લીધો નહિ, તેણે પોતાની સ્થિતિની કે આરોગ્યતાની કંઇ પણ દરકાર કીધી નહિ. જેમ જેમ પરીક્ષાના દિવસો પાસે આવતા ગયા તેમ તેમ વધારે ઉજાગરા ને વધારે શ્રમ કીધો. પરીક્ષાના દિવસ આવ્યા. એ દિવસોમાં તે ઘણો ફીકા ચેહેરાથી પરીક્ષા આપવાને યુનીવર્સિટીમાં ગયો હતો. જો કે પાસ થવાની સઘળી આશા તેણે છોડી દીધી હતી, પરંતુ ઈશ્વરે એની સામે જોયું: ને ઘણા આનંદ સાથે બી. એ. માં પ્રથમ વર્ગમાં ઉંચે નંબરે પસાર થયો.