પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ગંગા–ગુર્જર વાર્તા

જૂદાં રેહેવાને ઘણોખરો નક્કી થઈ રહ્યો હતો. વેણીલાલ પણ ઘણો દિલગીર હતો. તેના અભ્યાસ માટે રોજની પંચાત પડતી હતી. તેમાં વેણીગવરી માંદી પડી ત્યારે સંસારી વ્યવસ્થાને લીધે તેનાથી જરાપણ મર્યાદા મેલાતી નહિ, ને મૂકે તો પીસ્તાળ પડતી હતી. ગંગા પોતે જ આ સઘળું સમજીને તેમને ઘણીક રીતે મદદ કરતી હતી, તેમ કોઈ કેાઈ વેળાએ વેણીલાલને પૈસા સંબંધી અડચણ પડતી ત્યારે “તમારા ભાઈએ પૈસા મોકલ્યા છે,” એમ સમજાવીને ખાનગી ખર્ચ માટે આપતી હતી. આ તેની વિવેકી મર્યાદા ખરેખર સ્તુતિપાત્ર હતી. આજે કેટલી વધૂઓ પોતાના સંસારને આવી રીતે સંભાળવાને તૈયાર થશે ?

ફાગણ મહિનામાં સઘળાં કુટુંબી પાછા આવ્યાં. પેહેલવેહેલાં તો ઘરમાં સૌ આનંદ પામ્યાં, પણ બેચાર દિવસ ગયા કે 'એ ભગવાન એના એ' તેમ પાછા ભઠવેડા જારી થયા. કેશવલાલ પણ આવ્યો હતો. એક જ દિવસ તેને બતાવવામાટે લલિતા શેઠાણી ચૂપ રહ્યાં; પણ તેમનો સ્વભાવ ગમે તેટલું છતાં પણ દબાય તેવો ન હતો. બીજે દિવસે રાતના, અગાઉ હતા તેવા વેશ માંડ્યા. એક ઓરડામાં નાની દીકરી, ચાકરડી તથા શેઠાણી સૂતાં હતાં. શેઠાણીની પાસે કમળી નહિ આવે તે તેમને ઘણું માઠું લાગવા જેવું લાગ્યું તેથી રોષમાં ઉપરાચાપરી બૂમ મારી કે, “કમળી કમળી ! એક- દમ અહિયા આવ.”

“માજી, બૂમ શા માટે મારો છે ?” એમ કમળીએ પ્રત્યુત્તર દીધો. પણ ગઈ નહિ, આથી શેઠાણી ઘણાં ગુસ્સે થયાં, ને મનમાં પોતાની જ દીકરીને ખૂબ ગાળો દીધી.

“અરે રાંડ આમ મરની ! ક્યારની બૂમ મારી રહી છું, પણ આ છોકરી તો સાંભળતી જ નથીને, કોઈને ગણકારશે પણ નહિ, રાંડ છાકી ગઈ છે ! હં હં ! પેલી રંડાઓનાં બધાં કર્મ છે, જે મારી સાત લાડની દીકરીને પણ છકાવી મૂકી છે, ને મારી સામા કીધી છે !” આમ લલિતાબાઈ બબડી ગયાં.