પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિવાન સાકરરામ દલપતરામનું
સંક્ષિપ્ત જીવનવૃત્ત.
¤¤¤¤

ગુજરાતી ગદ્યસાહિત્યના વિકાશના પ્રારંભ કાલમાં જેઓએ ગદ્યસાહિત્યમાં પોતાનો વિભાગ આપ્યો છે, તેમાંના એક આ ગ્રંથના ભાષાંતરકર્તા દિવાન સાકરરામ, તે મુંબઈના એક જાણીતા નાગરિક, સંસાર સુધારક, લેખક, તથા લોકપ્રિય ડા. ધીરજરામના વડીલ બંધુ હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૨૫, સંવત ૧૮૮૧ ના આષાડ વદ પ મે સુરત નગરમાં થયો હતો. એઓ જ્ઞાતે વાલ્મિક કાયસ્થ હતા. એમના પિતાનું નામ દલપતરામ અને માતુશ્રીનું નામ શોભાગવરી હતું. શોભાગવરીને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતાં: વડીલ સાકરરામ, વચલા ડા. ધીરજરામ, અને નાના ગીરધરલાલ. એમના પિતા, સાકરરામની ૧૬ વરસની નાની ઉંમર હતી ત્યારે મરણ પામ્યા હતા, તેથી શાળામાં જઈ વિદ્યા સંપાદન કરવાના માર્ગમાંથી ખસી, સુરતના નાજરને ત્યાં પોતાના પિતાની હરરાજી કારકુનની જગ્યા લઈ ઉદર પોષણાર્થે ભાગ્યોદયનું પ્રથમ સાધન હસ્તગત કર્યું. ડા. ધીરજરામે, જ્યારે ધર્મચુસ્ત હિંદુઓમાં વૈદક જ્ઞાન સંપાદન કરવાને મેડીકલ કોલેજમાં જઈ 'હાફકાસ્ટ' થવાનો માટે બાધ ગણાતો હતો ત્યારે, તે કોલેજમાં દાખલ થઈ જી. જી. એમ. સી. ની પદવી સંપાદન કરી હતી. દિ. સાકરરામને કલેક્ટરી ખાતામાંથી વધતા વધતા ઠાસરાના મામલતદારનો એાદ્ધો મળ્યો, પણ દુર્ભાગ્યે ત્યાંનાં હવા પાણી અનુકુલ ન પડવાથી સુરત બદલી કરાવી, પોલીસ સુપ્રીન્ટેન્ડંટ મી૦ બારના હાથ નિચે સીરસ્તદારી કબુલ કરી. જાતી મહેનતના બળે અને તીવ્ર બુદ્ધિના યોગે, સરકારી ખાતામાં એમની કદર પીછાણવામાં આવી. એઓ ખેડા તથા નડીયાદના ફોજદાર તરીકે આગળ વધ્યા; અને ત્યાંથી પણ આગળ વધી વડોદરાના દેશી રાજ્યમાં દાખલ થયા, અને શ્રીમાન ગાયકવાડ ખંડેરાવના મરણ પર્યંત તેમના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ બજાવ્યું હતું. ખંડેરાવના મરણ પછી રાધનપુરના સર ન્યાયાધીશ તરીકે નોકરી લીધી, અને આ નોકરી તેમની છેલ્લી નોકરી હતી. પવિત્ર મનથી ને પ્રામાણિકપણાથી ઉપરીઓને પૂર્ણ સંતોષ આપી બજાવેલી આ સર્વ નોકરીના અનેક પ્રમાણપત્રો એમના પુત્ર ડા. વજેરામ પાસે હૈયાત છે. તે ઉપરથી જણાય છે કે તેઓ પોતાના કાર્યમાં કુશળ તથા નીતિના એક દૃષ્ટાંતરૂપ હતા.