પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ઘાશીરામ કેાટવાલ.

જે સીતાના શરીરની લંબાઇ પહોળાઇ બતાવે છે, તે પ્રમાણે સીતાનો ખરેખરો જ આકાર હોય તો, તેના શરીરનો સોમો હિસ્સો પણ હાલ નાશકની ગુફા છે તેમાં માય નહીં. પંચવટીની સીતાની ગુફા લોકોને ઠગવા સારુ માણસોએ બનાવી છે, એવું જેણે જોયું છે તે કહે છે; ને તેવી ગુફા હાલ નવી પણ બની શકે.

ઘા૦— અમારા મહારાષ્ટ્ર દેશમાં જેવું પાંડવનું આશ્ચર્યકારક કામ છે, તેવું તમારા મુસલમાન રાજાનું બનાવેલું કોઇ છે ?

મુ૦— ઘણું છે, ને તે આપોઆ૫થી બનેલું છે એવું સાબીત થયું છે.

આ૦— તે આશ્ચર્યકારક કામ શી રીતે થયું છે તે કહો.

મુ૦— તમે જેને આશ્ચર્યકારક કામ કહો છો, તેને મુસલમાન લોક ગુફા કહે છે, તે નાહાની મોટી હોય છે. તેમાં કેટલીક પથ્થરની જમીન, એટલે ખડકમાં ચીલો પડીને બનેલી છે. કેટલીક એક બીજાને લગતી છે, ને તેમાં એક બીજામાં આવવા જવાનો રસ્તો છે, કેટલીક એવી છે કે તેની બંને બાજુએ સૂર્યનો પ્રકાશ પડે છે ને તે ગુફા સુધી નદીઓ વહે છે. તેમાં કેટલીક પાણીની વાટથી તથા જ્વાળામુખીના યેાગથી થયલી છે. નાર્વે કરીને દેશ છે, ત્યાં એક ગુફા છે, તે જમીનની અંદર એક હજાર ફુટ ઉંડી છે. જાર્જિયા દેશમાં એક ગુફા છે, તેની ઉંચાઈ પચાસ ફુટ ને પહોળાઈ સો ફુટ છે; ને તેની લંબાઈ કેટલા કોશ સુધી છે તેનું આજ સુધી કાંઇ ઠેકાણું લાગ્યું નથી. ગ્રીસ કરીને બેટ છે, ત્યાં એક મોટી ગુફા છે તેમાં મશાલ કરીને જાય છે. તે વખત મશાલના અજવાળાથી તે ગુફાનો રસ્તો હીરાથી જડેલો હોય તેવો ચળકે છે. આઇસ્લાંડ કરીને બેટ છે, તેમાં જ્વાળા મુખીથી થયલી મોટી ગુફા છે; તેમાં પ્રથમ ચોર લોક રહેતા હતા, એવી દંતકથા હોવાના સબબથી “ચોરની ગુફા” એવું તેનું નામ પડેલું છે. આ ગુફાની પાસેના પર્વત ઉપર જ્વાળામુખીથી બળેલા પદાર્થોનો મોટો ઢગલો પડેલો છે. આ ગુફાનું મોહોડું છત્રીશ ફુટ ઉંચું અને ચોપન ફુટ પહોળું છે. તેની લંબાઇ પાંચ હજાર ફુટ ઉપરાંત છે. તેના તળીઆંથી આસરે દસ ફુટ ઉંચી, એવી એક પથરની ભીંત માણસની બનાવેલી જણાય છે. આ ગુફામાં ત્યાં રહેનારનો સુવા સારુ ત્રીસ ફુટ લાંબી અને પંદર ફુટ પહોળી એવી એક ઓરડી છે.

ઘા૦— અરે મુનશી, તમે તે આ ગપ મારો છો કે એમાં કાંઇ ખરી વાત છે ?