પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ઘાશીરામ કોટવાલ.


મુ૦— ગપ મારવાનું કામ શું ? મારી કહેલી ગુફામાંની કેટલીક ગુફા હજારો લોકોએ જોયલી છે, ને તેનો જે નક્સો મારી પાસે છે, તેમાં સ્કાટલંડ દેશની પશ્ચિમમાં જે બેટ છે, તેમાં સ્ટાફા નામનો બેટ છે, તેમાં ફીગાલની ગુફા છે; તેમાં ઉંચો થાભલો મોટો કોરીને, તેમાં તરેહ તરેહના રંગ ભરી સુશોભિત કરેલા ઘુંમટના થાંભલા જેવો દેખાય છે. ત્યાંથી જમીન ઘણી જ નાહાની ને થાંભલાની કુંભી જાળીદાર પથ્થરની ફરશબંધી જેવી દેખાય છે.

આ ગુફામાં જવાનો રસ્તો ત્રેપન ફુટ પહોળો, ને એકશો ને સત્તર ફુટ ઉંચો કમાનદાર છે. તેની અંદરની લંબાઈ ૨૫૦ ફુટ છે. ત્યાં આપોઆપ થયલું એક સિંહાસન છે. તે ઉપર ચહડીને જોતાં ગુફાની સઘળી શોભા બરાબર દેખાય છે. આ ગુફાની રચના તથા શેાભા જોતાં તે માણસની બનાવેલી છે એવું મનમાં આવે છે; પણ માણસની બુદ્ધિ અને કારીગરી કરતાં તેની રચના અધિક ચમત્કારિક છે. આ ગુફાનો નક્શો, કોટવાલ સાહેબ, હું આપને લાવીને બતાવીશ.

એ પ્રમાણે બોલવું થયા પછી ઘાશીરામે મુનશીને, ગુફાનો નકશો તમને ફુરસદ હોય તે વખતે લાવીને બતાવજો, એમ કહીને રજા આપી.વાત ૨૧.

ચાર પાંચ દિવસ પછી ગુલામઅલી મુનશી કેટલાક નકસા લઇને ઘાશીરામ પાસે આવ્યા ને તેને દેખાડવા લાગ્યા. તે વખત ત્યાં ઘણા લોકો બેઠા હતા. તેમાં મહાદેવભટ સપ્તર્ષિ નામના એક બ્રાહ્મણ વૈદ હતા. કોટવાલ નકશો જોવા લાગ્યા, તેમાં જવાળામુખીનો નકશો જોઇને આ આગ ક્યાં લાગી છે, એવું તેણે પૂછ્યું? તે ઉપરથી બોલવું શિરુ થયું તે:

મુ૦— આ જ્વાળામુખી છે.

મ૦— જોઉં જોઉં, જ્વાળામુખી કેવો છે ? આપણા શાસ્ત્રમાં એવું કહેલું છે કે ઇશ્વરે અગ્નિ ઉત્પન્ન કર્યો તે વખત અગ્નિને રહેવાની જગા નહોતી, તેથી જમીનમાં દાટ્યો. તે કારણથી હોમ હવન કરવાનું કામ જમીન ઉપર કરવું પડે છે; માળ ઉપર કરતા નથી; અને હોમ હવન કરતી વખત જમીનમાંથી અગ્નિ બોલાવવો પડે છે. જમીનમાં રાખેલા અગ્નિમાંથી થયલો જ્વાળામુખી છે, એવું સંભળાય છે. તેમને એ જ્વાળામુખી હશે.